12 July, 2025 11:15 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ બ્રિજ નીચે જઈને તપાસ કરી હતી
ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાતના તમામ બ્રિજનો ફિટનેસ-રિપોર્ટ જાહેર કરવાની માગણી કરીને કહ્યું હતું કે ગંભીરા બ્રિજ-દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામના પરિવારોને પચીસ લાખ રૂપિયાની સહાય આપો.
અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં કમિશનવાળી સરકારમાં કોઈ પણ ગુજરાતીના જીવની કોઈ કિંમત ન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રજાના ટૅક્સના પૈસાથી ચાલતી સરકારના શાસનકાળમાં છેલ્લાં થોડાં જ વર્ષમાં રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ, મોરબી બ્રિજ-દુર્ઘટના, વડોદરા હોડી-દુર્ઘટના, સુરતમાં તક્ષશિલાકાંડ અને તાજેતરમાં ગંભીરાનો બ્રિજ તૂટ્યો જેમાં લોકોના જીવ ગયા. સરકારી માર્ગદર્શિકા મુજબ દર ચોમાસા પહેલાં તમામ આવાં બાંધકામોની તપાસ કરીને એનો રિપોર્ટ જાહેર કરો અને એની માહિતી લોકોને આપો. રાજ્યમાં જેટલા પણ બ્રિજ છે એ તમામની ચકાસણી ક્યારે કરવામાં આવી એનો વિગતવાર રિપોર્ટ પબ્લિક-ડોમેનમાં તાત્કાલિક મૂકો એટલે સૌને ખબર પડે કે આ બ્રિજ પર જવાથી જીવનું જોખમ છે. ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરાને જોડતો મુખ્ય બ્રિજ હતો જેનો ઉપયોગ રોજ ખેડૂતો, નોકરિયાત વર્ગ અને કામદારો કરતા હતા. હવે આ બ્રિજ તૂટી પડ્યો છે ત્યારે લોકોને ૩૦થી ૪૦ કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે સરકાર તાત્કાલિક આ સ્થળે નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરે.’