12 July, 2025 11:09 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે ગંભીરા બ્રિજની મુલાકાત લીધી હતી
મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગંભીર ઘટનામાં પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાને કારણે એ તૂટ્યો હોવાનો પ્રાથમિક અહેવાલ તપાસ સમિતિએ ગુજરાત સરકારને આપ્યો છે. બીજી તરફ સર સયાજીરાવ જનરલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાર ઈજાગ્રસ્તો પૈકી નરેન્દ્રસિંહ પરમારનું ગઈ કાલે મૃત્યુ થયું હતું અને હજી એક મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. એને પગલે હવે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક ૨૦ થયો છે.
ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે ગંભીરા બ્રિજ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મીડિયાને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેલાવ મુજબ પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાને કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે. માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. એનાં ટેક્નિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ-અહેવાલ મુખ્ય પ્રધાનને સોંપવામાં આવશે અને એના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગના જવાબદાર ચાર અધિકારીઓને ફરજ-મોફૂકી કર્યા છે. હજી પણ જે પગલાં લેવાં પડશે એ રાજ્ય સરકાર ચોક્કસ લેશે.’
વડોદરા જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું હતું કે ‘નદીની અંદર સલ્ફ્યુરિક ઍસિડનું ૯૮ ટકા સાર્દ્રતા ધરાવતું એક ટૅન્કર છે. એથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે. અંદરના ભાગમાં સોડા-અૅશ ફેલાવાને કારણે પાણીમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ રહી છે. હવે બ્રિજનો સ્લૅબ તોડવાનું કામ કરવામાં આવશે તેમ જ નદીના પાણીમાં સલ્ફ્યુરિક ઍસિડનું જે ટૅન્કર છે એને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે.’