02 October, 2025 09:33 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અંદાજે ૩૫ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો
ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં વરદાયીની માતાજીની પલ્લી હર્ષોલ્લાસ અને માતાજીના જયકારા સાથે રંગેચંગે ગામમાં ફરી હતી. ગામના ૨૭ ચોકમાંથી નીકળેલી માતાજીની પલ્લીનાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. શ્રદ્ધાળુઓએ પાંચ લાખ કિલો ઘીનો અભિષેક પલ્લી પર કર્યો હતો. વરદાયીની માતાજી મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહેલી પરોઢે ચાર વાગ્યે પલ્લી નીકળી હતી. ગામમાં નીકળેલી પલ્લીનાં દર્શન કરવા માટે અને ઘીનો અભિષેક કરવા ૧૨ લાખથી વધુ લોકો ઊમટ્યા હતા. ગામમાં આવેલા ૨૭ ચોકમાંથી પલ્લી નીકળી હતી. આ તમામ ચોકમાં પલ્લી પર અભિષેક કરવા માટેનું ઘી ટ્રૅક્ટરની ટ્રૉલીઓમાં અને પીપડાંમાં ભરીને રાખ્યું હતું. અંદાજે ૩૫ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો.’