કુછ શૂટિંગ તો કરો ગુજરાત મેં...

22 September, 2021 07:58 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગુજરાતમાં ફિલ્મો અને સિરિયલોનાં શૂટિંગ સાથે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરવાની યોજના બનાવવામાં આવી છે જીટીડીસી દ્વારા

જીટીડીસી દ્વારા બોલાવાયેલી આ મીટિંગમાં મુંબઈની ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગ્જોએ હાજરી આપી હતી અને સઘન ચર્ચા કરી હતી.

જંગલ, પહાડ, દરિયાકાંઠો, રણ અને સફેદ રણ જેવાં અનેક કુદરતી વૈવિધ્યસભર લોકેશન્સ ધરાવતા ગુજરાતમાં ટૂરિઝમને ડેવલપ કરવા હવે ત્યાં બૉલીવુડની ફિલ્મો અને સિરિયલોનાં શૂટિંગ માટેની સુવિધાઓ ઊભી કરીને મુંબઈના બૉલીવુડ જેવું સેકન્ડ હબ ડેવલપ કરવાનું ગુજરાત સરકાર વિચારી રહી છે. એ માટે ગુજરાત ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (જીટીડીસી)એ મુંબઈના ફિલ્મ અને સિરિયલોના ગુજરાતી નિર્માતાઓને બોલાવીને તેમની સાથે સોમવારે ગાંધીનગરમાં એક મીટિંગ કરી હતી. એ મીટિંગ પૉઝિટિવ રહી હોવાનું જાણીતા સિરિયલ નિર્માતા અસિત મોદી અને બેલ્વેડેર ફિલ્મ્સના વૈશલ શાહે કહ્યું હતું. 
ગાંધીનગરમાં આયોજિત કરાયેલી આ મીટિંગમાં જીટીડીસીના મૅનેજિંગ ડિરેક્ટર જૈનુ દીવાન અને ટુરિઝમ સેક્રેટરી હરીશ શુક્લા પણ હાજર રહ્યા હતા. આ મીટિંગ બાબતે અસિત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત હંમેશાં લોકોને સુવિધા આપવામાં, ફૅસિલિટી આપવામાં અગ્રેસિવ રહ્યું છે. એ લોકોને પાયામાંથી વિકાસ કરવો છે. એ લોકોનો ઇરાદો નેક છે. તેઓ એવું બનાવવા માગે છે કે શૂટિંગ પણ થાય અને સાથે ટૂરિઝમ પણ વિકસે. શૂટિંગ ઇન્ડસ્ટ્રી ત્યાં વિકસે એવું પ્લાનિંગ છે.’
શૂટિંગ માટે જોઈતી સુવિધાઓ તે લોકો પૂરી પાડી શકશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘મુંબઈમાં જે રીતે ફિલ્મસિટી છે એવું શૂટિંગ હબ ત્યાં પણ ઊભું કરી શકાય. મૂળમાં એ માટે મોટી જમીન જોઈએ. જો મુંબઈની નજીક આવું હબ બની શકે તો સારું છે. શૂટિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા ઘણાં બધાં હર્ડ્લ્સ છે, પણ તેમનો ઇરાદો નેક છે.’
મીટિંગમાં હાજર રહેલા ગુજરાતી અને હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર, બેલ્વેડેર ફિલ્મ્સના વૈશલ શાહે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીટિંગ બહુ જ પૉઝિટિવ રહી. એ લોકો સિનેમેટિક ટૂરિઝમ વિકસાવવા માગે છે. ફિલ્મમેકર્સ ગુજરાતમાં આવે અને ફિલ્મ્સ બનાવે એ એમનો મૂળ ઉદ્દેશ છે. તેઓ બીજા સ્ટેટ આ સંદર્ભે શું સબસિડી આપે છે, શું સુવિધાઓ આપે છે એની ડીટેલ્સ લઈ એના કરતાં પણ વધુ સારી સુવિધાઓ ઑફર કરવા માગે છે અને એ માટેની પૉલિસી બનાવી રહ્યા છે. તેમણે અમારાં બધાનાં સજેશન્સ લીધાં છે. બહુ જ હેલ્ધી ડિસ્કશન રહ્યું. ગુજરાતમાં પણ અનેક લોકેશન્સ છે જ્યાં શૂટિંગ થઈ શકે છે. બીજું, મુંબઈ સાથે ગુજરાતની કનેક્ટિવિટી પણ સારી છે. બાય ઍર કહો કે બાય રોડ કહો, અહીં ઈઝીલી પહોંચી શકાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું છે. વળી જો કોઈ ત્યાં સ્ટુડિયો બનાવવા માગતું હોય અને ૫૦૦ કરોડ પ્લસનો પ્રોજેક્ટ હોય તો ગુજરાત સરકાર પણ એમાં પાર્ટનરશિપ કરશે એવી ઑફર પણ આપી છે. તેમણે કહ્યું છે કે તમે પ્રપોઝલ આપો, અમે ચોક્કસ એના પર વિચાર કરીશું. મૂળમાં શૂટિંગ માટે વિશાળ જગ્યા જોઈતી હોય છે. ગુજરાત સરકાર લૅન્ડ અને અન્ય સુવિધાઓ આપવા તૈયાર છે. વળી પોસ્ટ-પ્રોડક્શન માટે મુંબઈ જેવા જ અદ્યતન ડબિંગ સ્ટુડિયો અમદાવાદમાં પણ છે એટલે એ પણ પ્રૉબ્લેમ નથી. બીજું, મુંબઈમાં યુનિયનો છે અને શિફ્ટ્સમાં કામ ચાલતું હોય છે, જ્યારે અહીં યુનિયનો નથી. વળી સૌથી અગત્યની વાત એ કે જો યુપી કે બિહાર સાઇડ શૂટિંગ કરવા જઈએ તો સિક્યૉરિટીનો પણ પ્રૉબ્લેમ આવી શકે છે. ગુજરાતમાં એ પણ કોઈ ઇશ્યુ નથી. જે રીતે મુંબઈમાં રાતે બે વાગ્યે પણ તમે નિશ્ચિંત થઈને બહાર હરીફરી શકો એ જ રીતે ગુજરાતમાં પણ સુરક્ષિતતા અનુભવાય છે. આમ હાલ તો બહુ જ સારી મીટિંગ રહી. ટૂંક સમયમાં ૪-૫ મહિનામાં એ લોકો આ પૉૅલિસી બહાર પાડે એવી શક્યતા છે.’ 
આ મીટિંગ બાબતે જીટીડીસીના મૅનેજિંગ ડિરેક્ટર જૈનુ દીવાનનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરવા છતાં તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

gujarat news gujarat bakulesh trivedi Mumbai mumbai news