12 October, 2025 11:01 AM IST | vadnagar | Gujarati Mid-day Correspondent
વડનગરમાં અક્ષય કુમારે હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં હતાં, વૉલીબૉલ રમી રહેલો અક્ષય કુમાર, દીકરીઓએ ફૂલોથી અક્ષય કુમારનું સ્વાગત કરીને ફોટો પડાવ્યા હતા.
અક્ષય કુમાર ગઈ કાલે નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાતે જતાં વડનગરવાસીઓ ઘેલા થયા હતા. બૉલીવુડના આ હીરોને જોવા વડનગરમાં લોકો ઊમટ્યા હતા. અક્ષય કુમારે વડનગરમાં આવેલા પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં હતાં. મંદિરનાં શિલ્પ-સ્થાપત્યો અને કોતરણી જોઈને તે મંત્રમુગ્ધ થયો હતો અને આ મંદિર વિશે જાણકારી મેળવી હતી. એ પછી તેણે આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ પણ જોયું હતું અને વડનગરના વારસાની જાણકારી મેળવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરની જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી અને ત્યાં આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ફોટો પડાવ્યા હતા. મંદિરની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘આ પૌરાણિક મંદિર છે. અંદર જઈને ધ્યાન આપો અને સન્નાટો થઈ જાય તો હળવે-હળવે ઓમ નમઃ શિવાય સંભળાય છે.’
વડનગરની મુલાકાત બાદ અક્ષય કુમાર અમદાવાદ ગયો હતો. અમદાવાદમાં બનેલા ઑલિમ્પિક કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની તેણે મુલાકાત લીધી હતી. સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં હાલમાં ૧૧મી એશિયન ઍક્વેટિક્સ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે. એમાં વૉટર પોલોની મૅચ ચાલતી હતી એ જોઈ હતી એટલું જ નહીં, આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં વૉલીબૉલના ખેલાડીઓ સાથે વૉલીબૉલ રમ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.