08 August, 2025 12:07 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ જવાનોને અર્પણ કરવામાં આવ્યો
દેશની સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતની ૫૩,૦૦૦ આંગણવાડીની બહેનોએ સાડાત્રણ લાખ રાખડીઓ તૈયાર કરીને સરહદે જવાનો માટે મોકલી છે. ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ જવાનોને પ્રતીકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળકલ્યાણપ્રધાન ભાનુબહેન બાબરિયાની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની આ પહેલને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સના પ્રતિનિધિએ ભૂપેન્દ્ર પટેલને સર્ટિફિકેટ અને મેડલ આપ્યાં હતાં. રક્ષાસૂત્ર કળશને આર્મી, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના ગાંધીનગરસ્થિત જવાનોએ સ્વીકાર્યો હતો.