04 July, 2026 09:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આ છે ધરપકડ કરાયેલા ૮ આરોપીઓ
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ગુજરાતના ૭ અને મધ્ય પ્રદેશના એક આરોપીની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ધરપકડ કરીને આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ ૮ આરોપીઓ પાકિસ્તાનના હૅન્ડલરના સંપર્કમાં હતા. તેમણે જૈશ-એ-મોહમ્મદ વતી કામ કરવા સંસ્થા પણ ઊભી કરી હતી અને જૈશ-એ-મોહમ્મદના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રચાર-પ્રસારના પ્રયત્ન કરતા હતા.
ATSના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે કેટલાક માણસો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય છે અને આ આતંકી સંગઠનની વિચારધારાને પ્રોત્સાહન આપવા તેમ જ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે ગુજરાતમાં સક્રિયપણે આયોજન કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમ બનાવીને ટેક્નિકલ તેમ જ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જુદી-જુદી પાંચ ટીમ બનાવીને મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને નવસારી પોલીસ તેમ જ મધ્ય પ્રદેશની દેવાસ પોલીસને સાથે રાખીને જે-તે જગ્યાએ રેઇડ પાડવામાં આવી હતી, જેમાં ૮ આરોપીની અટકાયત કરીને અમદાવાદ ATSની ઑફિસે લાવવામાં આવ્યા હતા.
ગુજરાત ATSના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) સુનીલ જોશીએ મીડિયાને કહ્યું હતું કે ‘પકડાયેલા આરોપીઓએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે ગુજરાતમાં દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ સ્થાપના કરી હતી અને આ ૮ આરોપીઓ એના સભ્ય બન્યા હતા. તેઓ પોતાના વિસ્તારમાં અન્ય સભ્યોને જોડાવા માટે આમંત્રણ આપતા હતા અને સ્ટ્રૉન્ગ ગ્રુપ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોપીઓ પાકિસ્તાની હૅન્ડલર અબદુલ્લા અને મોહમ્મદ ઉમર સાથે સંપર્કમાં હતા. જૈશ-એ-મોહમ્મદના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને એની વિચારધારાનો પ્રચાર-પ્રસાર થઈ શકે એવી કામગીરી કરી રહ્યા હતા. આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદ વતી ગુજરાતમાં આતંકવાદી કૃત્ય પાર પાડવાના ષડયંત્રમાં સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા હતા. આ ષડયંત્રને પાર પાડવા માટે તેમને ૩ લાખ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું.’
ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘાના મોબાઇલમાંથી નૉર્ડલૉકર નામની ઍપ્લિકેશન મળી આવી હતી. એમાં જેહાદી કિતાબો, બયાન, ઑડિયો, વિડિયો અને ફોટોગ્રાફ્સ તેમ જ જૈશ-એ-મોહમ્મદના ઝંડા સહિત કુલ ૨૫૪ સાહિત્ય મળી આવ્યું છે.
જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર દ્વારા લખાયેલાં અને પાકિસ્તાનમાં છપાયેલાં બે પુસ્તકો તથા જેહાદને લગતાં પુસ્તકો પણ મળી આવ્યાં હતાં.
આતંકી સંગઠન સાથે જોડાવા માટે મસૂદ અઝહરને સંબોધીને ઉર્દૂ ભાષામાં ટાઇપ કરેલા ૮ પત્રો તથા ઉર્દૂ હસ્તાક્ષરમાં લખેલા પેજના ફોટો મળી આવ્યા છે.
ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘા તેમ જ જકરિયા દ્વારા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પુસ્તક દર્સ-એ-જેહાદનું ઉર્દૂમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલું સાહિત્ય મળી આવ્યું છે.
મહેસાણા પાસે નંદાસણમાં રહેતા અહમદ અબદુલ્લા ગાજીવાલા (૧૯ વર્ષ) અને ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘા (૩૦ વર્ષ). પાલનપુરના ભાગળમાં રહેતો મુદસ્સીર અબદુલ્લા ગાજીવાલા (૨૨ વર્ષ). સિદ્ધપુરના ખડિયાસણામાં આવેલી જામિયા અબુલ હસન મદરેસાના જકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘઘા (૨૧ વર્ષ), મુફ્તી ફૌજાન ઇસ્માઇલ દઉવા (૪૦ વર્ષ) અને મોહમ્મદ અમીન શેરા (૨૧ વર્ષ). ચીખલીના અંભેટા ખાતે જામિયા રહમાનિયા ખંભિયામાં રહેતો મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (૨૨ વર્ષ). મધ્ય પ્રદેશના દેવાસના વરસીનગરમાં રહેતો બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘઘા (૧૮ વર્ષ).