તબેલામાં વાછરડીને મારીને એનું માથું કાપીને લઈ ગયા

23 March, 2025 01:22 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

સાબરકાંઠાના નાદરી ગામની ક્રૂર ઘટના : ગૌપ્રેમીઓમાં ફેલાયો રોષ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં નાદરી ગામે અજાણ્યા શખ્યોએ અત્યંત ક્રૂરતાપૂર્વક એક વાછરડીનું માથું કાપીને સાથે લઈ જતાં ચકચાર મચી ગઈ હતી અને તબેલાના માલિક સહિત ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. અત્યંત નિર્દયપૂર્વક વાછરડીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા લોકો સામે ગુનો નોંધીને વડાલી પોલીસે તપાસ હાથ ધરી છે.

વડાલી પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાદરી ગામે વિજયકુમાર સોલંકીનો તબેલો આવેલો છે જેમાં ચાર ગાયો અને ચાર વાછરડીઓ છે. વિજયકુમાર સોલંકીએ કરેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી ગઈ કાલે સવારે ૫.૪૫ વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા લોકોએ તબેલામાં પ્રવેશીને ત્રણ વર્ષની વાછરડીને મારી નાખીને એનું માથું કાપી નાખ્યું હતું અને માથું લઈને જતા રહ્યા હતા.’

ગઈ કાલે સવારે તબેલામાં માથા વગરની વાછરડી મળી આવતાં હોબાળો મચી ગયો હતો અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. માથું કપાયેલી હાલતમાં વાછરડીને જોતાં જ સૌકોઈમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં વડાલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

gujarat Gujarat Crime crime news news gujarat news