13 July, 2025 12:37 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ડાંગમાં વઘઈ-સાપુતારા રોડ પર અંબિકા નદી પરના આ પુલ પરથી ભારે કમર્શિયલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે.
ગુજરાતમાં વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ બ્રિજનાં ઇન્સ્પેક્શન થયાં હતાં. પાટણ, નવસારી, સુરત, દાહોદ સહિતના જિલ્લાઓમાં અધિકારીઓએ પુલોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત વલસાડ અને ડાંગ જિલ્લામાં કેટલાક બ્રિજ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા છે.
ડાંગમાં વઘઈ-સાપુતારા માર્ગ પર સાકરપાતળ પાસે અંબિકા નદી પર ૧૯૫૯-’૬૦માં બનેલો નંદિઉતારા બ્રિજ ક્રિટિકલ પુઅર કૅટેગરીમાં આવતાં ભારે કમર્શિયલ વાહનોની અવરજવર પર એક વર્ષ સુધી પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ વલસાડ જિલ્લામાંથી પસાર થતી તાન, માન, કોલક, રાતા ખાડી અને ઔરંગા નદી પરના કેટલાક બ્રિજ જૂના છે અને એના સર્વે, ટેસ્ટિંગ સહિત સમારકામ કરવાનું હોવાથી આ નદીઓ પરના બ્રિજ પરથી અવરજવર પર વાહનોના પ્રકાર મુજબ પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્રે બહાર પાડ્યું છે.