03 May, 2025 06:26 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં શુક્રવારે વટવા GIDCમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ (Gujarat Fire) લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે કામગીરી ચાલુ છે.
સમાચાર એજન્સી એએનઆઇ (ANI)એ વટવા GIDCમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી આપી છે. આ વિષે વધુ માહિતીની રાહ જોવાઈ રહી હોવાનું પોસ્ટ કર્યું છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, ઘટનાની જાણ થતાં જ ફાયર અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફેક્ટરીમાંથી ગાઢ ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, અને અધિકારીઓએ સાવચેતીના પગલા તરીકે આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો. અત્યાર સુધી, કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
GIDC ફેઝ-4માં લાગેલી આગમાં હાલમાં અગ્નિશામક કામગીરી ચાલી રહી છે, અને આગ નજીકના એકમોમાં ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ગુજરાતમાં વધતા તાપમાનની સાથે, આગ લાગવાના બનાવો (Gujarat Fire) પણ વધી રહ્યા છે. ગુરુવારે અમદાવાદમાં શહેરના વિવિધ ભાગોમાં આગ લાગવાની પાંચ અલગ અલગ ઘટનાઓ બની હતી, જેના કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો અને ફાયર બ્રિગેડને સતર્ક રહેવું પડ્યું હતું. આ ઘટનાઓ ચંડોળા (Chandola) અને વટવા (Vatva)ની ઝૂંપડપટ્ટી, પ્રહલાદનગર (Prahladnagar)માં વિનસ એટલાન્ટિસ (Venus Atlantis), વટવા GIDC ફેઝ-4માં એક કેમિકલ ફેક્ટરી અને બાપુનગર (Bapunagar)માં એક કારમાં આગ નોંધાઈ હતી.
વટવાની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ
વટવા GIDC ફેઝ-4 માં જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ (Jayshree Chemical Industries)માં એક કેમિકલ ડ્રમ ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે નજીકની ચારથી પાચ ફેક્ટરીઓ પ્રભાવિત થઈ. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.
પ્રહલાદનગરમાં કમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ
બીજી એક ઘટનામાં, પ્રહલાદનગરમાં એક કમર્શિયલ બિલ્ડિંગ, વિનસ એટલાન્ટિસના બેઝમેન્ટમાં આગ લાગી. આગમાં લગભગ છથી આઠ વાહનો બળીને ખાખ થઈ ગયા. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે ઝડપથી કાર્યવાહી કરી અને હવે આગના કારણની તપાસ કરી રહી છે.
ચંડોળા કાટમાળમાં લાગી આગ
દરમિયાન, ચંડોળા તળાવમાં જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં ગેરકાયદેસર વસાહતો તોડી પાડવામાં આવી હતી, ત્યાં તોડી પાડવામાં આવેલા ઘરોના કાટમાળમાં આગ લાગી હતી. કાપડ, પ્લાસ્ટિક અને લાકડા જેવી સામગ્રી બળી ગઈ હતી. સદનસીબે, આ વિસ્તારમાં ફક્ત કચરો હોવાથી, કોઈ ઈજા થઈ ન હતી. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, અતિશય ગરમીને કારણે આગ લાગી હશે. અહીં પણ વધુ તપાસ ચાલી રહી છે.