05 June, 2026 08:25 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં પાકિસ્તાનને અડીને આવેલી કચ્છ બૉર્ડરનું ગુજરાત સરકારના ગૃહવિભાગે ઠરાવ કરીને વિભાજન કર્યું છે અને નવી બનાસકાંઠા રેન્જ બનાવી છે જેમાં બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાનો સમાવેશ કરાયો છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના તાબામાં કચ્છ (પશ્ચિમ), કચ્છ (પૂર્વ), પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ આવેલા છે જે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલા છે. હયાત બૉર્ડર રેન્જમાં કુલ ૪૦૬.૮૭ કિલોમીટર આંતરરાષ્ટ્રીય જમીન સરહદ તથા ૨૩૮ કિલોમીટર દરિયાઈ વિસ્તાર આવેલો છે. બૉર્ડર રેન્જનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં નિયંત્રણ તથા નિરીક્ષણમાં મુશ્કેલી ઊભી થાય છે. આ પાસાંઓને ધ્યાનમાં લઈને બૉર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જ ઊભી કરવાનું ગુજરાત સરકારે ઠરાવ્યું છે. આ નવી રેન્જનું મુખ્ય મથક પાલનપુર રહેશે. બૉર્ડર રેન્જનું વિભાજન થતાં હવે બૉર્ડર રેન્જમાં પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લા રહેશે, જ્યારે નવા બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા-પાલનપુર, પાટણ અને વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કર્યો છે.