27 November, 2026 11:56 AM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
હાઇવે હોટેલોમાં તપાસ
ગુજરાતમાં હાઇવે પરની હોટેલોમાં નાસ્તો કરવા અથવા તો જમવા જતાં પહેલાં સાચવજો. નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે એ માટે ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા ઑપરેશન હેલ્થ હેઠળ રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં ગુજરાતના જુદા-જુદા હાઇવે પર આવેલી ૬૯૧ હોટેલોમાં તપાસ હાથ ધરાઈ એમાંથી ગંદકી અને અનહાઇજીનિક ફૂડ બદલ ૧૭૫ હોટેલોને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે ‘ગુજરાતના મુખ્ય હાઇવે પરની કુલ ૬૯૧ હોટેલોની તપાસમાં ૧૭૫ હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ એકમોને નોટિસ ફટકારતાં સંચાલકોએ સ્વયંભૂ બંધ રાખીને સફાઈ કરી ફૂડ-સેફ્ટીના કાયદામાં જણાવ્યા મુજબ સુધારા કર્યા હતા. તપાસ દરમ્યાન ૧૪ હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતાં એનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને એના નમૂના લઈને લૅબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.’