રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું રાજ્ય ગુજરાત

03 October, 2021 03:52 PM IST  |  Gandhinagar | Agency

ખાનગી કૉર્પોરેટ કંપનીઓ દ્વારા પ્રોજેક્ટ સ્થાપવા માટે સૌથી વધુ પસંદ કરાતા રાજ્ય તરીકે ગુજરાત ઊભરી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં આજે રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું રાજ્ય ગુજરાત બન્યું છે અને ગુજરાતનો હિસ્સો વધ્યો છે, કારણ કે ૨૦૧૧-૧૨થી ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્યમાં આવા ૧૦ ટકા પ્રોજેક્ટ આકર્ષાયા હતા. 
માત્ર પ્રોજેક્ટની સંખ્યા જ નહીં, મંજૂર થયેલા પ્રોજેક્ટ્‌સના કુલ ખર્ચમાં પણ ગુજરાતનો સિંહફાળો છે, એવું એક રિપોર્ટમાં જણાવાયું છે.  
રિપોર્ટ અનુસાર ૨૦૨૦-૨૧માં ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્‌સની કુલ રકમનો સૌથી વધુ હિસ્સો (૧૭.૧ ટકા) ધરાવે છે. ત્યાર બાદ આંધ્ર પ્રદેશ (૧૫ ટકા), ઉત્તર પ્રદેશ (૧૩.૭ ટકા), મહારાષ્ટ્ર (૮.૫ ટકા), હરિયાણા (૭.૮ ટકા ), કર્ણાટક (૬.૧ ટકા) જેટલો હિસ્સો ધરાવે છે. 
જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળાને કારણે ૨૦૨૦-૨૧માં સમગ્ર દેશમાં રોકાણનું વાતાવરણ નબળું રહ્યું છે. એકંદરે, બૅન્કો અને એફઆઇએ ૨૦૨૦-૨૧માં ખાનગી કંપનીઓના માત્ર ૨૨૦ પ્રોજેક્ટ દરખાસ્તોને મંજૂરી આપી હતી, જ્યારે મંજૂર કરેલા પ્રોજેક્ટ્‌સની કુલ કોસ્ટ ૨૦૨૦-૨૧માં ઘટીને ૭૫,૫૫૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ૨૦૧૯-૨૦માં ૧,૭૫,૮૩૦ કરોડ રૂપિયા હતી. ગુજરાત ખાનગી કૉર્પોરેટ કંપનીઓ દ્વારા પ્રોજેક્ટ સ્થાપવા માટે સૌથી વધુ પસંદ કરાતા રાજ્ય તરીકે ઊભરી રહ્યું છે, જેમાં વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ સુધીનાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા મહત્તમ પ્રોજેક્ટ્‌સ રાજ્યમાં સ્થાપિત થવાના છે. 
તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મંજૂર થયેલા પ્રોજેક્ટમાં ૧૪.૭ ટકા સાથે ગુજરાત સૌથી વધુ ટકાવારી ધરાવે છે, જ્યારે ગુજરાત પછી મહારાષ્ટ્ર (મંજૂર પ્રોજેક્ટ્‌સમાં ૧૨.૧ ટકા હિસ્સો), કર્ણાટક (૯.૫ ટકા), આંધ્ર પ્રદેશ (૮.૮ ટકા) અને તામિલનાડુ (૭.૨ ટકા) છે. આ અંગે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ છેલ્લાં પાંચ વર્ષના જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૬-૧૭ વચ્ચે પાંચ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કુલ મંજૂર પ્રોજેક્ટના કુલ ૫૨.૩ ટકા પ્રોજેક્ટ અમલમાં છે.જોકે રો-મટીરિયલ, મજૂરોની ઉપલબ્ધતા, માળખાકીય સુવિધા, માર્કેટ સાઇઝ અને ગ્રોથ જેવા ફેક્ટરોએ રાજ્યની પસંદગી પર પ્રભાવ પાડ્યો છે.
 આ વિશે એસોચેમ ગુજરાતના સહ-અધ્યક્ષ જૈમિન શાહે જણાવ્યું હતું કે ‘હું માનું છું કે ગુજરાત એ ભારતનું વ્યાપાર હૉટસ્પૉટ છે અને ઉદ્યોગ અને વાણિજ્ય માટે ઉચ્ચ સંભાવનાઓ ધરાવે છે. નવા રોકાણકારો આવતાં ગુજરાતમાં સ્પર્ધાત્મકતાની ઉચ્ચ ભાવના આવે છે. નવાં રોકાણો સાથે વેપાર અને વાણિજ્ય વધશે.

 

gujarat news gujarat gandhinagar