05 February, 2025 11:11 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રિસૉર્ટ-પૉલિટિક્સ થવા લાગ્યું છે. ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાની તારીખ પહેલાં આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસ પાર્ટી ઉમેદવાર-બચાવ અભિયાન આદરીને ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. બીજી તરફ મતદાન થાય એ પહેલાં ૨૧૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ બિનહરીફ જીત મેળવી છે.
ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા તેમ જ તાલુકા પંચાયતોની ચૂંટણી અને પેટાચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ઘણી બધી જગ્યાએ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાના બનાવો બન્યા છે. બીજી તરફ ગઈ કાલે ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે રખેને કોઈ ઉમેદવાર કોઈ કારણસર તેની ઉમેદવારી પાછી ખેંચી ન લે એવી દહેશત હેઠળ ધોરાજી નગરપાલિકામાં ચૂંટણીમાં ઊભા રહેલા આમ આદમી પાર્ટીના ૨૮ ઉમેદવારોને પક્ષ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાણંદ નગરપાલિકા અને માણસા નગરપાલિકામાં કૉન્ગ્રેસ એના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે સહીસલામત લઈ ગઈ હતી.
૨૧૫ બેઠક પર BJP બિનહરીફ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થાય એ પહેલાં ૬૮ નગરપાલિકાની ૧૯૬ બેઠક પર, જૂનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠક પર તેમ જ તાલુકા પંચાયતની અને અન્ય પેટાચૂંટણીની ૧૦ બેઠક મળીને કુલ ૨૧૫ બેઠક પર BJPના ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો છે.