15 April, 2026 12:16 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ગુજરાત કૉન્ગ્રેસના પ્રતિનિધિમંડળે ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના સ્ટેટ ઇલેક્શન કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણને મળીને રજૂઆત કરી હતી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે ફૉર્મ પાછાં ખેંચવાનો દિવસ છે ત્યારે રાજકારણ ગરમાયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ધાકધમકી અને તોડજોડની રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ કૉન્ગ્રેસે કર્યો છે. એટલું જ નહીં, નડિયાદ, સુરત, વાપી, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, ડભોઈ, કલોલ સહિતનાં શહેરો અને જિલ્લાઓમાંથી કૉન્ગ્રેસે ઓછામાં ઓછા ૨૦૦ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે.
પહેલી વાર મહાનગર બન્યા બાદ નડિયાદમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના કૉન્ગ્રેસના પચીસ ઉમેદવારોને બહારગામ લઈ જવાયા છે. નડિયાદ કૉન્ગ્રેસના અગ્રણી હાર્દિક ભટ્ટે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વાર ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમારા ઉમેદવારોને ઉમેદવારી ફૉર્મ પાછું ખેંચવા પરિવારોને ધમકી આપી સીટ બિનહરીફ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકોને મતાધિકાર આપો.’
ગુજરાત કૉન્ગ્રેસના પ્રતિનિધિમંડળે ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના સ્ટેટ ઇલેક્શન કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણને મળીને રજૂઆત કરી હતી.