17 July, 2025 09:21 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મેમ્બર ઑફ પાર્લમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ (MPLAD) સ્કીમ હેઠળ સંસદસભ્યોને મળતી ગ્રાન્ટમાંથી ગુજરાતના ૧૪ સંસદીય વિસ્તારોમાં સંસદસભ્યોએ ભલામણ કરેલાં કામોમાંથી વહીવટી તંત્ર દ્વારા એક પણ કામ પૂરું નથી થયું અને એક વર્ષમાં માત્ર ૪.૨ ટકા બજેટ વિકાસકામો પાછળ વપરાયું છે.
ગયા વર્ષે જૂનમાં ૧૮મી લોકસભાનું ગઠન થયું હતું. MPLAD યોજના અંતર્ગત દરેક સંસદસભ્યને વર્ષદીઠ પાંચ કરોડ રૂપિયાનું ભંડોળ તેમના મતવિસ્તારના વિકાસનાં કામો માટે ફાળવવામાં આવે છે. જાહેર આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, સૅનિટેશન, સિંચાઈ, ડ્રેનેજ, પૂર રોકવા માટેનાં પ્રતિરોધક સ્ટ્રક્ચર, પશુપાલન, ડેરી, ખેતી, ખેડૂત કલ્યાણ, ઊર્જા પુરવઠો, રોડ, પુલ, રસ્તાઓ વગેરે કામો કરી શકાય છે.
અત્યાર સુધીમાં ગુજરાતના ૨૬ સંસદસભ્યોને કુલ ૨૫૪.૮ કરોડ રૂપિયા બજેટની ફાળવણી કરવામાં આવી હતી. ૨૦૨૫ની પાંચ જુલાઈ સુધીમાં એમાંથી કુલ ૧૦.૭૨ કરોડ રૂપિયા એટલે કે માત્ર ૪.૨ ટકાનો જ ખર્ચ થયો છે અને ૯૫.૮ ટકા ફન્ડ વપરાયા વગર પડી રહ્યું છે.
નવસારી મતક્ષેત્રમાંથી સૌથી વધુ ૨૯૭ કામોની ભલામણ થઈ છે, જ્યારે મહેસાણા મતક્ષેત્રમાં ૨૭૧ કામોની ભલામણ અને ખેડા મતક્ષેત્રમાંથી ૨૬૫ કામોની ભલામણ કરવામાં આવી છે. સંસદસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે એના ૪૫ દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવાની હોય છે, પરંતુ વિગતો ચકાસતાં સંસદસભ્યો દ્વારા ભલામણ થયેલાં કુલ ૩૮૨૩ કામોમાંથી માત્ર ૯૩ કામો પૂરાં થયાં છે, જ્યારે અમદાવાદ-પૂર્વ, અમદાવાદ-પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજી સુધી એક પણ કામ પૂરું થયું નથી. આમ ૨૬ મતક્ષેત્રમાંથી ૧૪ મતક્ષેત્રોમાં એક વર્ષ દરમ્યાન એક પણ કામ કરવામાં આવ્યું નથી.
ભરૂચ સંસદીય મતક્ષેત્રમાં સૌથી વધુ ૧.૭૩ કરોડ રૂપિયા ખર્ચાયા છે. બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં ૧.૫૬ કરોડ રૂપિયા અને સાબરકાંઠા સંસદીય મતક્ષેત્રમાં ૧.૦૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.