02 June, 2026 11:13 AM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
હાઇ-લેવલ મીટિંગની અધ્યક્ષતા કરી રહેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (તસવીર- એક્સ)
ગુજરાત સરકાર (Gujarat Police) એક મોટા ઓપરેશનને હાથ ધરવા માટે એક્શન મોડમાં આવી હોવાની માહિતી મળી રહી છે. ગઇકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ હાઇ-લેવલ મીટિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ ગઈ. અહેવાલો અનુસાર ગુજરાત પોલીસ આજથી રાજ્યમાં ચાલતા સાઇબર ગુનાઓ સામે અત્યંત ક્ડક વલણ અપનાવશે. આ કાર્યવાહીને `ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦` નામ આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આ આક્રમક મિશનને કારણે રાજ્યના સાયબર માફિયાઓ થથરી ઉઠ્યા છે.
હાઇ-લેવલ મીટિંગમાં ગૃહમંત્રીએ આદેશ આપતાં કડક ભાષામાં જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકોના મહેનતની કમાઈને લૂંટતા સાયબર ક્રિમીનલ્સ સામે કોઈપણ જાતની રહેમ રાખ્યા વગર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ ઓપરેશન હેઠળ દેશ-વિદેશમાં વિસ્તરેલા સાયબર ફ્રોડ (Gujarat Police)ના મોટા નેટવર્ક અને બેન્ક એકાઉન્ટ ભાડે આપતા `મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ` પર બરાબર નજર રાખવામાં આવશે.
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCOE)ની આગેવાનીમાં રાજ્યભરમાં `ઓપરેશન મ્યુલ હન્ટ ૧.૦` ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ સાયબર ક્રિમીનલ્સના ફાયનાન્શિયલ નેટવર્ક સમાન `મ્યુલ એકાઉન્ટ્સ` એટલે કે બીજાના નામે ખોલાવેલા બેંક ખાતાને બંધ કરાવવાનો હતો કારણ કે આ મ્યુલ એકાઉન્ટ્સ થકી જ ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ ઓપરેશનને જબરદસ્ત પરિણામ મળ્યું હતું. જેમાં ખાસ તો રૂ. ૨,૨૮૯ કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ટએ ઉપરાંત રાજ્યભરમાં ૫૬૫ FIR દાખલ કરવામાં આવી અને ૬૩૮ આરોપીઓને હથકડી પહેરાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા ૯૧૩ મ્યુલ એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી (Gujarat Police) કરવામાં આવી. પરિણામે ચાર હજારથી પણ વધારે સાયબર ક્રાઇમ્સના કોકડાં ઉકેલાયા.
સાયબર ક્રિમીનલ્સ સામે એક્શનમાં આવેલી ગુજરાત પોલીસની કડક કાર્યવાહીને કારણે હવે સાયબર રીઢાઓ માટે પૈસા ઉપાડવાનું કપરું બની ગયું છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર સાયબર ગુનેગારો દ્વારા ચેક દ્વારા ઉપાડમાં આશરે ૮૦ ટકા જેટલો ઘટાડો થયો છે. તે ઉપરાંત શંકાસ્પદ ATM ઉપાડમાં ૬૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અને અતિ મહત્વનું કે ફ્રોડના પૈસા જે ખાતામાં સૌથી પહેલા જમા થાય છે એવા એકાઉન્ટ્સમાં પણ ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
હવે ફ્યુચરમાં પણ આ પ્રકારના ગુનાઓ (Gujarat Police) ન થાય એ માટે આરબીઆઈ (RBI)ની ગાઈડલાઈન હેઠળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ દરેક ટ્રાન્ઝેક્શનને લો, મીડિયમ કે હાઈ-રિસ્કમાં વર્ગીકૃત કરશે, જેથી બેન્ક ફ્રોડ થાય એની પહેલાં જ તેના પર રોક લગાવી શકાશે. આ ઉપરાંત બેન્ક વચ્ચે શંકાસ્પદ ખાતાઓની માહિતી શેર કરવા માટે "mulehunter.ai" નામની એક ખાસ ડિજિટલ રજિસ્ટ્રી પણ તૈયાર કરાઇ છે.