ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અનોખી ભાગવતકથા

01 February, 2026 06:59 AM IST  |  Gandhinagar | Shailesh Nayak

પહેલી વાર પ્રકૃતિ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને થશે ચિંતન : આજથી ગાંધીનગરમાં શરૂ થતી આ કથામાં શ્રોતાઓ મંડપમાં નહીં પણ વૃક્ષોના સાંનિધ્યમાં બેસીને કરશે રસપાન

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી પ્રકૃતિપ્રેમ ભાગવતકથા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી યોજાઈ રહેલી પ્રકૃતિપ્રેમ ભાગવતકથાનું વ્યાસપીઠ પરથી રસપાન કરાવવા જઈ રહેલા જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પ્રકૃતિ અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ભાગવત-ચિંતન કરીશું.  

સંભવિત રીતે વિશ્વમાં પહેલી વાર ગાંધીનગરમાં આજથી યોજાઈ રહેલી પ્રકૃતિપ્રેમ ભાગવત કથાની પૂર્વસંધ્યાએ રમેશભાઈ ઓઝાએ‘મિડ-ડે’ સાથે ખાસ વાત કરતાં કહ્યું હતું કે ‘પ્રકૃતિને લઈને આ રીતે પહેલી વારની મારી આ કથા છે જેમાં પ્રકૃતિને અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને યાત્રા કરીશું. ભાગવતરૂપી દીવાના અજવાળે આ યાત્રા થશે, કારણ કે ભાગવતને વ્યાસજી પુરાણસૂર્ય પણ કહે છે અને અધ્યાત્મદીપ પણ કહે છે. એટલે પ્રકૃતિ અને પર્યાવરણની બાબતમાં એ કેવી રીતે પ્રકાશ પાથરે છે એને લગતી થોડી વાત આ કથામાં કરીશું, કારણ કે કેવળ મોક્ષસંબંધી જ ચર્ચા ભાગવતજીમાં નથી. જીવનનાં બધાં જ પાસાં છે; એમાં ધર્મ છે, અર્થ છે, કામસંબંધી માર્ગદર્શન પણ છે. રાજનીતિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ એની પણ ચર્ચા પૃથુ ચરિત્ર દ્વારા છે. એટલે શ્રીમદ ભાગવતજીના માધ્યમથી વ્યાસજીએ કોઈ પણ વિષયને અણસ્પર્શ્યો નથી રાખ્યો. ખાસ કરીને પ્રકૃતિને અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ભાગવતનું ચિંતન કરીશું.’

રમેશભાઈ ઓઝાએ પ્રકૃતિની કથાના સંદર્ભમાં કહ્યું હતું કે ‘વિશ્વમાં અત્યારે એક ઋતુચક્ર છે એ ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે. આપણે ગ્લોબલ વૉર્મિંગની વાત કરીએ છીએ; પરંતુ ભવિષ્યની પેઢી માટે આપણે કેવી પૃથ્વી છોડીને જઈશું એ એક મોટો ચિંતાનો અને ચિંતનનો વિષય છે એટલે એ બાબતમાં શાસ્ત્રો આપણને શું કહે છે, એનું માર્ગદર્શન શું છે એ જાણવું જરૂરી છે. આપણે ત્યાં તો વૃક્ષો અને છોડવાઓની પૂજા કરવાનું વિધાન છે. દરેક પ્રાણી કે પક્ષીને આપણે કોઈ ને કોઈ દેવતા સાથે જોડ્યાં છે એનું વાહન બનાવીને. એટલે આ પૃથ્વી ગ્રહ છે, એ માત્ર મનુષ્યની પોતાની જાયદાદ નથી. એના પર પશુઓ, પ્રાણીઓ અને બીજા અસંખ્ય જીવો વસે છે. એ જળચર હોય, નભચર હોય કે સ્થલચર હોય, એનો પણ એટલો જ અધિકાર છે આ પૃથ્વી પર જીવવાનો. એટલે આ શાસ્ત્રો આપણને જે વિવેક આપે છે એ વિવેક સાથે એક સમય હતો કે પ્રકૃતિ પર કેવી રીતે વિજય મેળવવો એની ચર્ચા કરતો હતો માણસ. હવે તેણે વિજય મેળવવાની વાત છોડી દઈને પ્રકૃતિ સાથે કેવી રીતે સંવાદિતતા સાધવી એનું ચિંતન કરવું પડશે.’

gujarat news gujarat ahmedabad gandhinagar sabarkantha environment culture news exclusive columnists shailesh nayak