27 June, 2025 08:34 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
જમજીર ધોધ જોવા ગયેલા અને ફસાઈ ગયેલા છ સહેલાણીઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા.
જૂનાગઢ, કેશોદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદની જમાવટઃ જમજીર ધોધ નજીક શિંગોડા નદીમાં ફસાયેલા દીવના ૬ સહેલાણીઓને બચાવી લેવાયા ઃ મહેસાણામાં બે ઇંચ વરસાદમાં અન્ડરપાસમાં ભરાઈ ગયું પાણી ઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદ
મેઘરાજાએ હવે જાણે કે સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો હોય એમ ગઈ કાલે જૂનાગઢ, કેશોદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદે જમાવટ કરી હતી. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના જમજીર ધોધ નજીક શિંગોડા નદીમાં ફસાયેલા દીવના ૬ સહેલાણીઓને રેસ્ક્યુ કરીને જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર-બ્રિગેડે બચાવી લીધા હતા.
ગુજરાતમાં ગઈ કાલે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૧૭૦ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ૫૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિનામાં સૌથી વધુ ૫.૩૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ જિલ્લા પર મેઘરાજાની મહેર ઊતરી હોય એમ જૂનાગઢના વિસાવદરમાં ૪.૬૫ ઇંચ વરસાદ પડ્યો હતો. એમાં પણ ૧૦થી ૧૨ વાગ્યાના બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
ગીર અને કેશોદમાં આવેલી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં છે. કેશોદમાં પડેલા વરસાદના પગલે શહેરમાં કંઈ કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત ઉતાવળી નદીમાં પૂર આવતાં એક મહિલા તણાતી હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. કેશોદમાં માંગરોળ રોડ પર આવેલા અન્ડરપાસમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ ગીરમાં શિંગોડા નદીમાં પૂર આવતાં કનકાઈ મંદિર પરિસરમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં.
મહેસાણા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ
ગઈ કાલે ચીખલીમાં કાવેરી નદીના કાંઠે આવેલું શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર થોડુંક પાણીમાં ગરકાવ થયું હતું.
ઉત્તર ગુજરાતના મહેસાણામાં બે ઇંચ વરસાદ પડતાં મહેસાણા વચ્ચે આવેલા અન્ડરપાસ ઉપરાંત ગોપી અને ભમ્મરિયા નાળામાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં. મહેસાણા જિલ્લાના વિજાપુર અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં સુરત શહેરમાં ૨.૭૬ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૪.૭૬ ઇંચ, બારડોલીમાં ૩.૪૬ ઇંચ, કામરેજમાં ૩.૧૯ ઇંચ, નવસારીના ખેરગામમાં ૪.૨૫ ઇંચ અને ચીખલીમાં ૪.૦૨ ઇંચ, વલસાડના પારડીમાં ૩.૧૫ ઇંચ, તાપીના ડોલવણમાં ૩.૧૧ ઇંચ, છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ૨.૮ ઇંચ વરસાદ પડ્યો હતો.