ગુજરાતનાં શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

14 August, 2026 10:47 AM IST  |  Somnath | Gujarati Mid-day Correspondent

સોમનાથમાં ભક્તો ઊમટ્યા દેવાધિદેવનાં દર્શને : વડનગર ડમરુના નાદથી ગુંજી ઊઠ્યું, શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી નીકળી ડમરુયાત્રા : સાળંગપુરમાં હનુમાનદાદાને કરવામાં આવ્યો કઠોળથી શિવસ્વરૂપ વાઘાનો શણગાર

સોમનાથ મહાદેવનાં દર્શન.

પવિત્ર શ્રાવણ માસનો ગઈ કાલથી શુભારંભ થતાં જ ગુજરાતનાં શિવાલયોમાં શિવભક્તો દર્શન કરવા ઊમટ્યા હતા અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઊઠ્યાં હતાં. સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદનાં શિવમંદિરો, વડનગરના હાટકેશ્વર મહાદેવ તેમ જ સાળંગપુરમાં પણ શ્રાવણ માસનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો હતો.

સોમનાથમાં હજારો શિવભક્તો ઊમટ્યા દર્શન કરવા

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ગઈ કાલથી શ્રાવણ શિવ મહોત્સવનો ભક્તિભાવભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો હતો. મંદિર પરિસરમાં હર હર ભોલે અને જય સોમનાથના નાદ ગુંજ્યા હતા. સોમનાથ મંદિર વહેલી પરોઢે ખૂલ્યું હતું. સવારથી જ શિવભક્તોનો ધસારો થયો હતો અને સાંજ સુધીમાં અંદાજે ૬૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાથી સોમનાથ મહાદેવનાં ચરણે શીશ નમાવીને દેવાધિદેવના આશિષ મેળવ્યા હતા. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ૨૦૦ કિલોથી વધુ પીળાં પુષ્પોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પીળાં પુષ્પોથી સોમનાથ મહાદેવજીને શણગાર કરવામાં આવતાં અલૌકિક દર્શન થયાં હતાં અને મંદિરમાં મઘમઘતી સુવાસ પ્રસરી ગઈ હતી. શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ ટ્રસ્ટે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં સવારથી બપોર સુધીના ૪ સ્લૉટમાં ભક્તોએ યજ્ઞમાં બેસીને આહુતિ અર્પી હતી. આ ઉપરાંત સાંજ સુધીમાં ૩૧ ધ્વજાપૂજા અને ૪૧ સોમેશ્વરપૂજા સહિતની પૂજા થઈ હતી. 

વડનગરમાં શ્રાવણોત્સવનો થયો પ્રારંભ 
ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રાવણોત્સવનો પ્રારંભ થયો હતો. શર્મિષ્ઠા તળાવથી ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શ્રાવણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું અને ડમરુયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ડમરુના નિષ્ણાત ૧૦૮ કલાકારોએ એકસાથે ડમરુનો નાદ કરતાં સમગ્ર વડનગરમાં ડમરુનો નાદ ગુંજવા લાગ્યો હતો. શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી ડમરુયાત્રા યોજાઈ હતી જેમાં નગરના અગણિત શ્રદ્ધાળુઓ પણ ઉત્સાહભેર ડમરુ વગાડતા જોડાયા હતા. 

સાળંગપુરમાં શ્રાવણોત્સવ    
શ્રાવણ માસના શુભારંભે યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ કઠોળથી શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનદાદાને મગ, અડદ, રાયડો, તલ સહિત વિવિધ કઠોળના દાણાઓથી કલાત્મક ડિઝાઇન બનાવીને શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીના સિંહાસનને પણ કઠોળ તેમ જ ધાન્યથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત કઠોળથી શિવજીની ઝાંખી પણ બનાવવામાં આવી હતી. કઠોળથી કરાયેલા શિવસ્વરૂપ શણગાર અને શિવજીની ઝાંખી દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

શ્રાવણ મહિના દરમ્યાન દૈનિક મારુતિયજ્ઞ પણ યોજાશે જેનો પ્રારંભ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ કરાવ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન મંદિરમાં દર રવિવારે રાજોપચાર પૂજન તથા મહા સંધ્યાઆરતી ઉતારવામાં આવશે. આ ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

gujarat news gujarat somnath temple religious places sarangpur festivals culture news