કચ્છના ગુનેરી ગામના ૩૨ હેક્ટરથી વધુ વિસ્તારને ગુજરાતની પહેલી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી

31 January, 2025 11:06 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

ગુનેરી ખાતે આવેલાં મૅન્ગ્રોવ્ઝમાં પાણી ક્યારેય આવતું નથી, કીચડ નહીં પણ સપાટ જમીન પર ૩૨.૭૮ હેક્ટર વિસ્તારમાં મૅન્ગ્રોવ્ઝ જંગલની જેમ જ પથરાયેલાં જોવા મળે છે જે એક વિશિષ્ટતા છે

કચ્છના ગુનેરીમાં આવેલી મૅન્ગ્રોવ્ઝની સાઇટ.

લોકવાર્તાઓ, કહેવતો અને દુહા છંદમાં કચ્છડો બારે માસ કહેવાય છે ત્યારે ગુજરાતના આ પ્રદેશ કચ્છને માથે વધુ એક છોગું ઉમેરાયું છે. વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્ત્વના પગલારૂપે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે આવેલી ઇનલૅન્ડ મૅન્ગ્રોવ્ઝ ગુનેરી સાઇટને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે.

મૅન્ગ્રોવ્ઝ મુખ્યત્વે દરિયાકિનારે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં ૨૪ કલાકમાં એક વાર પાણી આવીને જતું રહેતું હોય, જ્યાં સતત કીચડ હોય ત્યાં જોવા મળે છે; પરંતુ અરબી સમુદ્રથી ૪૫ કિલોમીટરના અંતરે અને કોરી ક્રીકથી ૪ કિલોમીટરના અંતરે ગુનેરી ખાતે આવેલા મૅન્ગ્રોવ્ઝમાં પાણી ક્યારેય આવતું નથી, કીચડ નહીં પણ સપાટ જમીન પર ૩૨.૭૮ હેક્ટર વિસ્તારમાં મૅન્ગ્રોવ્ઝ જંગલની જેમ પથરાયેલાં જોવા મળે છે જે આપોઆપ એક વિશિષ્ટતા છે. આવી સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલાં મૅન્ગ્રોવ્ઝની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ જરૂરી છે જેથી એનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ હેતુથી ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા ઇનલૅન્ડ મૅન્ગ્રોવ્ઝ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે.

kutch gujarat gujarat news news environment