૧૫૧​ કિલોની કેક કપાઈ, ભક્તજનો પર ૧ લાખ ફુગ્ગાઓનો વરસાદ

03 April, 2026 12:41 PM IST  |  Sarangpur | Gujarati Mid-day Correspondent

સાળંગપુરના હનુમાન મંદિરમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ હનુમાન જયંતી

વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી

ગુજરાતમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીનાં દર્શન માટે વહેલી પરોઢથી મંદિરમાં દર્શનાર્થીઓ ઊમટ્યા હતા. મંદિરના પરિસરમાં જાણે જનમેદનીનો મહાસાગર ઘૂઘવતો હોય એટલી માત્રામાં ધાર્મિકજનો આવી પહોંચ્યા હતા. ભક્તોએ હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 

હનુમાન જયંતીની ઉજવણીના પગલે સમગ્ર સાળંગપુરમાં ભક્તિમય અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. સવારે હનુમાનદાદાને સુવર્ણ વાઘા ધારણ કરાવ્યા હતા. મંદિરમાં દર્શન કરવા આવેલા અગણિત ભક્તજનો પર એક લાખ બલૂન ડ્રૉપ કરીને અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ૧૫૧ કિલોની કેક કાપી હતી. સવારે વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં ૧૦૦૦થી વધુ ભક્તો બેઠા હતા. યજ્ઞ દરમ્યાન વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી. હનુમાનદાદાને છપ્પનભોગ સહિત વિવિધ વાનગીઓનો થાળ ધરાવ્યો હતો.

gujarat news gujarat sarangpur swaminarayan sampraday festivals culture news religious places saurashtra