News In Shorts :કાજુ વેરાણા ચોકમાં અને લોકો આવી ગયા મોજમાં

19 April, 2025 04:23 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

સુરત જિલ્લાના માંડવીના મોટા નોગામા ગામે કાજુ ભરેલો ટેમ્પો પલટી થઈ ગયો એને પગલે લોકોએ કાજુ લૂંટીને સિંગચણાની જેમ ખાધા

કાજુનાં ક્રેટ રસ્તા પર પડી જતાં ત્યાંથી પસાર થતા નાગરિકો અને વાહનચાલકો પૈકી ઘણાબધાએ રીતસરની કાજુની લૂંટ ચલાવી હતી

ગઈ કાલે સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના મોટા નોગામા ગામ પાસેથી પસાર થઈ રહેલા કાજુ ભરેલા ટેમ્પોનું ટાયર ફાટતાં એ પલટી ગયો હતો અને એમાં ભરેલાં કાજુનાં ક્રેટ રસ્તા પર પડી જતાં ત્યાંથી પસાર થતા નાગરિકો અને વાહનચાલકો પૈકી ઘણાબધાએ રીતસરની કાજુની લૂંટ ચલાવી હતી. ટેમ્પોચાલકને મદદ કરવાને બદલે મોટા ભાગના લોકોએ સિંગચણાની જેમ કાજુ ખાધા હતા.

કેટલાક લોકો ખિસ્સામાં ભરીને કેટલાક રૂમાલમાં બાંધીને અને કેટલાક તો ટોપીમાં નાખીને કાજુ લઈ ગયા હતા.

છત્તીસગઢમાં ૩૩ નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ

છત્તીસગઢના નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. સુકમામાં અલગ-અલગ સક્રિય ગૅન્ગના ૩૩ નક્સલવાદીઓએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. આ બાવીસ નક્સલવાદીઓ પર કુલ મળીને ૪૯ લાખ રૂપિયા સુધીનાં ઇનામ રાખવામાં આવ્યાં હતાં. આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓને આત્મસમર્પણ નીતિ હેઠળ કૌશલ વિકાસ યોજના હેઠળ અન્ય સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.

અમેરિકાએ યમનના તેલના બંદર પર કરી ઍર સ્ટ્રાઇક, ૭૪થી વધુ લોકોનાં મોત

અમેરિકાએ યમનના લાલ સાગર તટ પર હૂતી બળવાખોરો દ્વારા નિયંત્રિત એક તેલ બંદર પર ભયંકર ઍર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ૭૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૭૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

વાહ, ક્યા વેવ હૈ

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ઈસ્ટ કોસ્ટ પર દરિયો તોફાની બન્યો હતો જેને પગલે સિડનીના નૉર્થ નૅરૅબીન બીચ પર મોજાં જબરદસ્ત ઊછળ્યાં હતાં.

surat indian food road accident news gujarat gujarat news chhattisgarh united states of america australia