કચ્છી માડુ ધ્રજે ન તો, તૈયાર વેઠો આય

09 May, 2025 08:17 AM IST  |  Mumbai | Shailesh Nayak

આ ખુમારી છે કચ્છનાં ૭૯ વર્ષનાં જાનકી ગોસ્વામીની: પાકિસ્તાને ગઈ કાલે કચ્છમાં ડ્રોનથી હુમલો કર્યા બાદ રાતે કેટલાંક નગરોમાં બ્લૅકઆઉટ કરવામાં આવ્યો : મિડ-ડેએ નખત્રાણા અને માંડવીના કચ્છીઓ સાથે પણ વાત કરી, તેઓ કહે છે કે અમને આર્મી પર પૂરો વિશ્વાસ છે

ભુજમાં બ્લૅકઆઉટ થયો ત્યારે જાનકી ગોસ્વામી અને તેમનો પરિવાર અંધારું કરીને બેઠાં હતાં.

ભારતના ઑપરેશન સિંદૂરથી પાકિસ્તાન હચમચી ગયું છે અને નાપાક હુમલા કરી રહ્યું છે ત્યારે ગઈ કાલે કચ્છમાં ડ્રોનથી હુમલો કર્યો, પણ એને ભારતીય આર્મીએ નાકામયાબ બનાવ્યા બાદ રાતે ભુજ સહિતનાં કેટલાંક નગરોમાં બ્લૅકઆઉટ કરવામાં આવતાં ભુજમાં રહેતા અને બે યુદ્ધ જોઈ ચૂકેલાં ૭૯ વર્ષનાં જાનકી ગોસ્વામીએ ‘મિડ-ડે’ને કચ્છી ભાષામાં ખુમારી બતાવતાં કહ્યું હતું, ‘કચ્છી માડુ ધ્રજે ન તો, તૈયાર વેઠો આય...’ એટલે કે કચ્છી ડરતો નથી, તૈયાર બેઠો છે.

પાકિસ્તાને ગઈ કાલે રાતે ભારતના સરહદી વિસ્તારોમાં અચાનક ડ્રોન-હુમલો કર્યો ત્યારે સલામતીના ભાગરૂપે કચ્છમાં આવેલા ભુજ, નલિયા અને નખત્રાણામાં બ્લૅકઆઉટ કરવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં કચ્છવાસીઓ તૈયાર છે એ વિશે વાત કરતાં ભુજના સંસ્કારનગરમાં રહેતાં જાનકી ગોસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બ્લૅકઆઉટ માટે અને યુદ્ધ માટે પણ અમે તૈયાર છીએ. ભૂતકાળમાં યુદ્ધના સમયે માધાપરની બહેનોની વાત તો સાંભળી હશેને? તો પછી? એ કચ્છનું પાણી છે ભાઈ, એમ પાછું ના પડે કચ્છ. અમે તો ૧૯૬૫ અને ૧૯૭૧નું યુદ્ધ પણ જોયું છે. અંધારામાં ત્યારે પણ બેસતા હતા. અમારા વડીલો શીખવતા કે ઘરમાં અનાજ-કરિયાણું ભરી લેવું અને ડરવાનું નહીં. અમે આજની પેઢીને એ શીખવી રહ્યા છીએ કે ડરવા જેવું કશું છે જ નહીં. આપણે સરકાર અને આર્મીને સપોર્ટ કરવાનો છે.’

જાનકી ગોસ્વામીના દીકરા અને શિક્ષક દીપક ગોસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભુજમાં બ્લૅકઆઉટ થયો એમાં બીવાનું શું હોય? પાકિસ્તાને કચ્છમાં ડ્રોન નાખ્યાં એ વાત જાણી, પણ આપણી આર્મીએ પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે અને હવે જડબાતોડ જવાબ આપવો જોઈએ જેથી આવતાં ૫૦ વર્ષ સુધી પાકિસ્તાન ઊભું ન થાય અને આગળ ન આવે. ભુજવાસીઓ સહિત સૌ કચ્છીઓ યુદ્ધ થાય તો તૈયાર બેઠા છે. કચ્છવાસીઓ ડરતા નથી. કચ્છીઓ તો ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધ થયાં એનાથી ટેવાયેલા છે. અમે તૈયાર છીએ અને આર્મીના સપોર્ટમાં છીએ. સરકારની સાથે અમે રહીશું.’

પદ્‍મશ્રીથી સન્માનિત કચ્છના નખત્રાણાના નારાયણ જોશીએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુરુવાર સાંજ પછીથી અહીં સાવચેતીના ભાગરૂપે બધે લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. દરેકને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. અમે પણ સાંજ પછીથી બધા ઘરમાં જ છીએ. મોબાઇલમાં બધા સમાચાર જોવા મળી રહ્યા છે. હવે તો મોબાઇલની બૅટરી પણ ડાઉન થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કચ્છમાં કોઈ ધડાકા કે ડરી જવાય એવા કોઈ અવાજ આવ્યા નથી. અમે એકદમ સતર્ક છીએ. માનસિક રીતે પણ અમે તૈયાર છીએ. અગાઉ પણ ઘણી વૉરનો અનુભવ લઈ ચૂક્યા છીએ અને વધુમાં અમને ઇન્ડિયન આર્મી પર પૂરો વિશ્વાસ છે કે તેઓ કોઈને આંચ આવવા દેશે નહીં.’

માંડવી તાલુકામાં રહેતા વિરલ છેડાએ કહ્યુ હતું કે ‘પાકિસ્તાને જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલો કરવાનું શરૂ કર્યું કે તરત માંડવી અને એની આસપાસના વિસ્તારોમાં લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને કમ્પ્લીટ બ્લૅકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. રાતે ૯.૩૦ વાગ્યા સુધી તો લાઇટો હતી, પણ ત્યાર બાદ બધી લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. અત્યારે અમે બધા સેફ છીએ અને જે રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યાં છે એ મુજબ અમે અનુસરણ કરી રહ્યા છીએ. અમે જીવનજરૂરી વસ્તુઓ ઘરમાં ભરી રાખી છે જેથી વધુ સમય સુધી ઘરમાં રહેવું પડે તોય કોઈ વાંધો આવે એમ નથી. હવે અમે મોબાઇલ વગેરે પણ ઍડ્વાન્સમાં ચાર્જ કરી રાખીએ છીએ જેથી કોઈ પ્રૉબ્લેમ ન આવે. જોકે મોડી રાતે એટલે કે ૧૦.૪૫ વાગ્યાની આસપાસ માંડવીની આસપાસના વિસ્તારોમાં ફરીથી લાઇટો ચાલુ કરી દેવામાં આવી હતી.’

- શૈલેષ નાયક અને દર્શિની વશી

gujarat news kutch mandvi ind pak tension pakistan kutchi community gujarati mid-day exclusive operation sindoor