08 January, 2025 12:36 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં પતંગની દોરી રંગાઈ રહી છે. (તસવીરઃ જનક પટેલ.)
ગુજરાતમાં ઉત્તરાયણનું એક આગવું મહત્ત્વ છે અને યંગસ્ટર્સમાં એનો ભારે ક્રેઝ છે ત્યારે આ વર્ષે પણ ૧૧થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૪૭ દેશોના પતંગબાજો અમદાવાદ સહિત ગુજરાતમાં પતંગ ચગાવવા આવશે.
પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન-સમારોહ ૧૧ જાન્યુઆરીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે અમદાવાદમાં યોજાશે. અમદાવાદ ઉપરાંત ૧૨ જાન્યુઆરીએ સ્ટૅચ્યુ ઑફ યુનિટી, એકતાનગર, રાજકોટ અને વડોદરા ખાતે અને ૧૩ જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર અને ધોરડો ખાતે પતંગ મહોત્સવ ઊજવાશે. આ વર્ષે પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો, ભારતનાં ૧૧ રાજ્યોમાંથી બાવન પતંગબાજો અને ગુજરાતનાં ૧૧ શહેરોમાંથી ૪૧૭ પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવા આવશે. ઉદ્ઘાટન-સમારોહમાં ઋષિકુમારો આદિત્ય સ્તુતિ-વંદના પાઠ કરશે. પતંગબાજોની પરેડ ઉપરાંત આ મહોત્સવમાં નાઇટ-કાઇટ ફાઇલિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ-વર્કશૉપ સહિતના કાર્યક્રમો યોજાશે.
ઉત્તરાયણ નજીક આવી પહોંચી છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં પતંગ અને દોરીની ખરીદી કરવા માટે લોકો નીકળ્યા છે. ખાસ કરીને ઍડ્વાન્સમાં મનગમતી દોરી રંગાવવા માટે ધસારો થઈ રહ્યો છે. અમદાવાદમાં અન્ય રાજ્યોમાંથી પતંગની દોરી રંગનારાઓ આવી પહોંચ્યા છે જેમની પાસે પતંગી-દોરી રંગાવવા માટે યુવાનો મશગૂલ બની રહ્યા છે.