12 January, 2025 09:40 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બાળકોને પતંગ બનાવતાં શીખવી રહેલાં ગીતા અને રાજુ વઢિયારી. (તસવીર : જનક પટેલ)
અમદાવાદમાં એક બાજુ દેશ-વિદેશના પતંગબાજો પતંગ ચગાવી રહ્યા હતા તો બીજી તરફ પતંગ કેવી રીતે બને એ જોઈને બાળકો ઉત્સાહભેર પતંગ બનાવતાં શીખીને ખુશ થઈ રહ્યાં હતાં. એટલું જ નહીં, પતંગ બનાવવાનું શીખવા માટે બાળકો વાલીઓ સાથે ઊમટ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ જેમને પ્રોત્સાહિત કર્યાં છે તે ગીતા અને તેમના પતિ રાજુ વઢિયારીએ બાળકોને પતંગ બનાવતાં શીખવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ-મહોત્સવમાં એક ડોમમાં બાળકોને પતંગ બનાવવાના ક્લાસ લેવાઈ રહ્યા હતા. પતંગના કાગળો, પતંગ માટેના ઢઢ્ઢા, ગુંદર સહિતની વસ્તુઓ સાથે બાળકોને પતંગ બનાવતાં શીખવી રહેલાં ગીતા અને રાજુ વઢિયારીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘પહેલાં અમે સોસાયટીઓમાં ફરી-ફરીને લાકડામાંથી બનાવેલા પીપૂડા, રાવણ હથ્થો, ધનુષબાણ સહિતનાં રમકડાં વેચતાં હતાં. સીઝનમાં અમે પતંગ બનાવતાં હતાં. પંદર વર્ષ પહેલાં તરણેતરના મેળામાં નરેન્દ્ર મોદી અમને મળ્યા હતા અને સાહેબે અમારો ઉત્સાહ વધાર્યો હતો અને અમને પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે આજે અમે અહીં સુધી પહોંચ્યાં છીએ. પતંગ બનાવવામાં રોજગારી તો મળે જ છે, પણ ઑર્ડર વધારે આવી જાય તો અમે પાડોશીઓને પણ કામ આપીએ છીએ. આ કામને કારણે આર્થિક સ્થિતિ સારી બની છે અને રોજગારી મળતી રહે છે. અહીં ઘણાં બધાં બાળકો આવી રહ્યાં છે અને તેમને પતંગ કેવી રીતે બને એ અમે શીખવી રહ્યાં છીએ.’