હવે પાલિતાણા યાત્રા કરવા જાઓ અને ડોલીવાળો જો હેરાન કરે તો ઑનલાઇન ફરિયાદ થઈ શકશે

15 February, 2025 07:25 AM IST  |  Gandhinagar | Ruchita Shah

જૈનોના પવિત્ર તીર્થધામમાં યાત્રાળુઓની ડોલીની બાબતમાં થતી હેરાનગતિનું કાયમી નિરાકરણ લાવવા માટે અગ્રણી જૈન સંસ્થાઓએ ‘યાત્રા મિત્ર’ નામનું ચૅટબૉટ લૉન્ચ કર્યું છે.

યાત્રા મિત્ર

જૈનોના પવિત્ર તીર્થધામમાં યાત્રાળુઓની ડોલીની બાબતમાં થતી હેરાનગતિનું કાયમી નિરાકરણ લાવવા માટે અગ્રણી જૈન સંસ્થાઓએ ‘યાત્રા મિત્ર’ નામનું ચૅટબૉટ લૉન્ચ કર્યું છે. તમારા ડોલીવાળા સાથેના સારા-નરસા અનુભવોના ફીડબૅકને માત્ર વૉટ્સઍપ દ્વારા શૅર કરી શકાશે. કઈ રીતે આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકશો એની વિગત જાણી લો

જૈનોનો આત્મા એટલે ગુજરાતના ભાવનગર પાસે આવેલો શ્રી શત્રુંજય ગિરિરાજ. જૈન શાસ્ત્રો કહે છે કે જે શત્રુંજય ગિરિરાજની જીવનમાં એક વાર પણ યાત્રા ન કરે તેનો મનુષ્યભવ નિષ્ફળ ગણાય. જોકે શ્રી શત્રુંજય તીર્થરાજ પર મૂળનાયક ભગવાન શ્રી આદિનાથદાદાનાં દર્શન પામવા એટલાં સરળ નથી. લગભગ ૨૨૦૦ મીટરની ઊંચાઈએ સાડાત્રણ હજાર પગથિયાં ચડીને જાઓ ત્યારે લગભગ ૯૦૦ જેટલાં દેરાસરો જ્યાં આવેલાં છે એ શત્રુંજય પર્વતના શિખરે પહોંચાય. આ જ કારણે શારીરિક અવસ્થા અથવા ઉંમરને કારણે જે આસ્થાળુઓ ચાલીને યાત્રા કરવા સમર્થ ન હોય તેઓ શત્રુંજયની તળેટીથી ડોલી ભાડે લઈને યાત્રા સંપન્ન કરે છે. જોકે છેલ્લાં ઘણાં વર્ષોથી ડોલી કરવી ચિંતાનો વિષય ગણાય છે. ડોલીવાળાનો વ્યવહાર, પૈસા નક્કી કર્યા પછી વધુ પૈસા પડાવવાનો ત્રાસ, રસ્તામાં ડોલી પરથી ઉતારીને ચાલવાનું દબાણ કરશે તો? ભાવ નક્કી કરી પછીથી વધુ પૈસા માગશે તો જેવાં ટેન્શન રહેતાં હોય છે. આ સમસ્યાનું સમાધાન લાવવા શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને અમદાવાદના સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા પાલિતાણાના ડોલીવાળાના મુખ્ય યુનિયન સાથે નિયમોના ચુસ્ત પાલન વિશેના લેખિત કરાર કરવામાં આવ્યા છે. અનુક્રમે શ્રી શત્રુંજય યુવક મંડળ નામની સંસ્થાના યુવાનો દ્વારા યાત્રીઓની સવલત અને સલામતી નિશ્ચિત બને એ માટે ડોલી યાત્રા સંદર્ભની ફરિયાદ અથવા કોઈ સારો અનુભવ થયો હોય એ ઑનલાઇન રજિસ્ટર કરાવવા માટે પ્લૅટફૉર્મ ઊભું કરવામાં આવ્યું છે. ઍન્ડ્રૉઇડ ફોન દ્વારા ચૅટબૉટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને તમે ‘યાત્રા મિત્ર’ નામના આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી શકશો.

શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના એક્ઝિક્યુટિવ કમિટી-મેમ્બર કમલેશ શાહે ‘મિડ-ડે’ને આ ચૅટબૉટ કઈ રીતે કામ કરે છે એ સિસ્ટમ વિશે કહ્યું હતું કે ‘દરેક ડોલી પર, પાલિતાણાના દેરાસર સંકુલમાં એક ક્યુઆર કોડનું સ્ટિકર લગાવવામાં આવશે. એ સ્ટ‌િકર સ્કૅન કરશો એટલે ‘યાત્રા મિત્ર’નું ચૅટબૉક્સ ખૂલશે. એમાં તમે ‘પ્રણામ’ લખશો એટલે કઈ ભાષામાં તમારે વાત કરવી છે એવું પૂછશે. તમે જેમ-જેમ જવાબ આપતા જશો એમ તમારી ફરિયાદ કે સારો ફીડબૅક બન્ને રજિસ્ટર કરી શકશો. ખૂબ સરળતા સાથે એનો ઉપયોગ કરી શકાશે. મુંબઈ અને અમદાવાદના બન્ને મહાસંઘો પાલિતાણા આવતા યાત્રાળુઓને ઓછામાં ઓછી તકલીફ પડે એવા પ્રયાસ માટે કટિબદ્ધ છે. યાત્રીઓને સંતોષ અને શાતા આપનાર ડોલીવાળાની યોગ્ય કદર પણ થઈ શકે અને નિષ્ઠાવાનને પણ એનો લાભ મળી શકે તેમ જ શત્રુંજય ગિરિરાજની યાત્રા દરમ્યાન આશાતના નિવારણનાં કાર્યોમાં પણ ઉપયોગી બની શકે એવા ઉદ્દેશ માત્રથી આ એક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે.’

અહીં ઉલ્લેખનીય છે કે યાત્રીઓની ફરિયાદના નિરાકરણ માટે ૨૪ કલાક સાતેય દિવસ (24X7) કાર્યરત બૅક ઑફિસ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. જો યાત્રીઓ સાથે દુર્વ્યવહાર થશે તો એ ડોલીવાળા પર નિયમ અનુસાર પગલાં પણ લેવામાં આવશે.

jain community bhavnagar religious places religion gujarat gujarat news news