કૉન્ગ્રેસ સાથે અમારે કોઈ ગઠબંધન નથી, ઇન્ડી અલાયન્સ લોકસભા ચૂંટણી માટે હતું

04 July, 2025 10:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના પ્રવાસે આવેલા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આમ કહીને સુરતના પૂરના મુદ્દે BJP સરકાર સામે કર્યા આક્ષેપ

ગુજરાત AAPના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, વિસાવદરના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં અરવિંદ કેજરીવાલે પ્રેસ-કૉન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. તસવીર : જનક પટેલ.

ગુજરાતના પ્રવાસે આવેલા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આમ કહીને સુરતના પૂરના મુદ્દે BJP સરકાર સામે કર્યા આક્ષેપ : AAPમાં જોડાવા યુવાનોને આહ્‍‍વાન કર્યું : આશાવાદ વ્યક્ત કર્યો કે ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી AAP જીતશે  

ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે કૉન્ગ્રેસ સાથે અમારે કોઈ ગઠબંધન નથી, ઇન્ડી અલાયન્સ લોકસભા ચૂંટણી માટે હતું. સુરતના પૂરના મુદ્દે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર સામે આક્ષેપ કર્યા હતા અને AAPમાં જોડાવા માટે યુવાનોને આહ્‍‍વાન કરીને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી AAP જીતશે.

અરવિંદ કેજરીવાલે ગઈ કાલે અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ સાથે AAPનું કોઈ ગઠબંધન નથી. જો ગઠબંધન હોત તો કૉન્ગ્રેસે વિસાવદરમાં ચૂંટણી શા માટે લડી? વિસાવદરમાં કૉન્ગ્રેસ અમને હરાવવા આવી હતી. ઇન્ડી અલાયન્સ ફક્ત લોકસભા સુધી જ હતું, હવે અમારી તરફથી કોઈ ગઠબંધન નથી. ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી બહુ દૂરની વાત છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં AAPના ગોપાલ ઇટાલિયાને જનતાએ જિતાડ્યા છે. વિસાવદરની આ જીત કોઈ સામાન્ય જીત નથી, પણ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીની સેમી-ફાઇનલ છે.’

અરવિંદ કેજરીવાલે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘છેલ્લાં ૩૦ વર્ષમાં BJP સરકારે ગુજરાતને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી. હમણાં સુરતમાં પૂર આવ્યું એમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં. આજથી ૧૦ વર્ષ પહેલાં સુરતના આવા હાલ નહોતા. સુરતમાં જે પૂર આવ્યું એ BJPના ભ્રષ્ટાચારને કારણે આવ્યું છે.’

ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલત છે. ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. વીજળી મળતી નથી, પાણી મળતું નથી. ગુજરાતના યુવાનો પરેશાન છે, વારંવાર પેપર લીક થાય છે. સરકારમાં ભરતી માટેની જગ્યાઓ ખાલી છે. આજે ગુજરાતમાં કોઈ પણ વર્ગ ખુશ નથી છતાં પણ BJP ચૂંટણી જીતે છે કેમ કે ગુજરાતના લોકો પાસે વિકલ્પ નથી. દર વખતે કૉન્ગ્રેસ BJPને જિતાડવાનો ઠેકો લે છે એટલે લોકોને કૉન્ગ્રેસ પર ભરોસો નથી, પણ હવે AAP આવી ગઈ છે અને એ વિકલ્પ છે અને વિસાવદરની ચૂંટણી લોકોએ જિતાડી. કૉન્ગ્રેસની જેમ હવે BJPનો જવાનો સમય આવી ગયો છે.

આજથી ગુજરાત જોડો અભિયાન શરૂ કરી રહ્યા છીએ. લોકો મિસ કૉલ મારીને AAPના સભ્ય બની શકે છે. હું ગુજરાતના યુવાનોને અપીલ કરું છું કે જે યુવાન ગુજરાતની પ્રગતિ ઇચ્છે છે, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત જોવા માગે છે, પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય સુધારવા માગે છે બધા લોકો મોટી સંખ્યામાં AAPમાં જોડાઓ. - અરવિંદ કેજરીવાલ

arvind kejriwal aam aadmi party bharatiya janata party Gujarat BJP bhartiya janta party bjp congress Gujarat Congress news political news surat Gujarat Rains monsoon news gujarat elections gujarat news gujarat