16 May, 2025 08:36 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
કચ્છના માધાપર ખાતે મળેલી લોડાઈ પ્રાથરિયા આહિર સમાજની મીટિંગ.
છેલ્લા કેટલાક સમયથી લગ્નપ્રસંગોમાં દેખાદેખીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને એના કારણે મધ્યમ વર્ગ અને નાના માણસોને તકલીફ વેઠી પડી રહી છે ત્યારે કચ્છમાં લોડાઈ પ્રાથરિયા આહિર સમાજે લગ્નપ્રસંગને લઈને સમાજહિત માટે તાજેતરમાં ઠરાવો કર્યા છે; જેમાં હલ્દી રસમ, પ્રી-વેડિંગ શૂટ તેમ જ વરરાજાને શેરવાની પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કન્યાઓને લગ્નનાં કપડાં બહારથી ભાડે લાવવા માટે મનાઈ ફરમાવીને આહિર સમાજની ઓળખ સમાં પરંપરાગત ભાતીગળ વસ્ત્રો વર-વધૂએ પરિધાન કરવાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. લગ્ન વખતે કન્યાઓ દ્વારા મેંદી રસમ માટે બહારથી સ્પેશ્યલિસ્ટને બોલાવે છે એ પ્રથા પર પર પણ પ્રતિબંધ મૂક્યો છે, એની જગ્યાએ ઘરમેળે મેંદી કરી શકાશે. આ ઠરાવનું ઉલ્લંઘન કરવામાં આવે તો ૧ લાખ ૧ હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં અાવી છે. લગ્નમાં જમણવારમાં સમાજના નિયમ મુજબ રોટલી, દાળ-ભાત, છાશ, પાપડ, સલાડ સિવાયની કોઈ પણ છ વાનગી રાખવાની રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને ૨ લાખ ૫૧ હજાર રૂપિયાનો દંડ કરાશે. તાજેતરમાં માધાપરમાં આ સમાજની મીટિંગ મળી હતી એમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
લગ્ન સમયે જુદા-જુદા પ્રસંગો કે પહેરવેશને લઈને પ્રતિબંધો કેમ મૂકવામાં આવ્યા એની પાછળના હેતુ કચ્છ લોડાઈ પ્રાથરિયા આહિર સમાજના પ્રમુખ ભુરા આહિરે ‘મિડ-ડે’ સમક્ષ મૂક્યા હતા....
આજે મોંઘવારીનો સમય છે ત્યારે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે મધ્યમ વર્ગ અને નાના માણસોને લગ્ન કરવા માટે ફરજિયાત કરજ કરવું પડે છે અથવા તો ખેતીની જમીનમાંથી ટુકડો વેચી નાખવો પડે છે. ઘણી વખત દીકરી સાસરે જાય તો તેને સાંભળવાનું થાય છે કે માવતરે ઓછું આપ્યું જેથી દીકરીને દુઃખ થાય છે અને માતા-પિતાને કહી શકતી નથી ત્યારે આવા બનાવો સમાજમાં ન બને એ હેતુ છે.
અમારા સમાજમાં હલ્દી રસમ છેલ્લાં બે વર્ષથી દેખાય છે એ પહેલાં હતી નહીં. એના સ્થાને પરંપરાગત પીઠીની રીત હતી અને છે.
અમારી સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત વસ્ત્રો એ આહિર સમાજની ઓળખ છે. અમે ભાતીગળ કપડાંથી ઓળખાઈએ છીએ ત્યારે વરરાજા પરંપરાગત કપડાં પહેરે અને દીકરીઓ પણ ભાતીગળ કપડાં પહેરીને ફેરા ફરે એ યોગ્ય લેખાશે કેમ કે ઘણી વખત એવું થાય છે કે જેમની શક્તિ હોય તે કન્યા માટેનાં લગ્નપ્રસંગનાં અવનવાં વસ્ત્રો ખરીદી શકે છે, પરંતુ જેઓની શક્તિ નથી તેવા ઘણા લોકો ભાડેથી કપડાં લાવે છે. ઘણી વખત તો આવાં કપડાં ધોયા વગરનાં મેલાં હોય છે અને જ્યારે લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાવાનું હોય ત્યારે કપડાં સાફસૂથરાં અને ચોખ્ખાં હોવા જોઈએ. અમારા સમાજનાં ભાતીગળ કપડાં દરેકને શોભે છે એટલું જ નહીં, અમારા સમાજના પરંપરાગત પોશાકો હવે તો બીજા લોકો પણ પહેરે છે.