30 June, 2025 06:55 AM IST | Bhuj | Shailesh Nayak
ગામના સ્મશાનગૃહમાં અનિલ ખીમાણીની ૨૬ જૂને કરેલી પ્રતીકાત્મક અંતિમક્રિયામાં ઉપસ્થિત રહેલા સ્વજનો અને ગ્રામજનો.
ગુરુવારે આ વિધિ કર્યા પછી શુક્રવારે કચ્છના દહીંસરાના ખીમાણી પરિવારને સિવિલ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા સ્વજન અનિલ ખીમાણીનાં DNA સૅમ્પલ મૅચ થઈ ગયાં છે, એટલે ગઈ કાલે પરિવાર અમદાવાદ જઈને મૃતદેહ લઈ આવ્યો : સગાંઓ પાસે લંડન જતો ૩૫ વર્ષનો અનિલ બે નાની દીકરીઓનો પિતા હતો
અમદાવાદમાં બનેલી પ્લેન-ક્રૅશની ઘટનામાં કચ્છના દહીંસરા ગામનો યુવાન અનિલ ખીમાણી પણ ભોગ બન્યો હતો. જોકે પરિવારજનોને અનિલનો પાર્થિવ દેહ મળવામાં વાર લાગતાં ૨૬ જૂને તેમણે હૃદય પર પથ્થર મૂકીને અનિલની પ્રતીકાત્મક અંતિમક્રિયા ગામના સ્મશાનમાં કરી દીધી હતી. આ વિધિ પૂરી થયા બાદ બીજા દિવસે અનિલનાં DNA સૅમ્પલ મૅચ થયાં હોવાનો ફોન આવતાં ગઈ કાલે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી તેનો મૃતદેહ સ્વીકારીને પરિવારે વતન લઈ જઈને અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરી હતી. ચાર વર્ષ અને છ મહિનાની બે દીકરીઓના પિતા અનિલ ખીમાણીની અંતિમ વિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
હિન્દુ સંસ્કૃતિમાં સંસ્કારોનું એક આગવું મહત્ત્વ રહેલુ છે જેમાં અંતિમ સંસ્કારનો પણ સમાવેશ થાય છે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેની પાછળ રીતરિવાજ મુજબ ધાર્મિક વિધિ થતી હોય છે. અમદાવાદમાં ૧૨ જૂને બનેલી પ્લેશ-ક્રૅશની ઘટનામાં મૃત્યુ પામેલી લગભગ બધી જ વ્યક્તિના DNA મૅચ થયા, પરંતુ અનિલ ખીમાણીના કેસમાં DNA મૅચ થવામાં વાર લાગતાં પરિવારજનો માટે મૃતદેહ મેળવવા માટે એક-એક દિવસ વસમો થઈ ગયો હતો. રડી-રડીને પરિવારજનોનાં આંસુ પણ સુકાઈ ગયાં હતાં. મરનારની પાછળ થતી તર્પણ સહિતની વિધિ, અંતિમક્રિયા વગેરે કેમ કરવી એ બાબતે મૂંઝવણ અનુભવતા પરિવારે ૨૬ જૂને ભારે હૈયે નાછૂટકે પાર્થિવ દેહ વગર જ પ્રતીકાત્મક રીતે અંતિમક્રિયા કરવાનો નિર્ણય કરીને ૨૬ જૂને પ્રતીક સ્મશાનયાત્રા યોજી હતી અને ગામના સ્મશાનમાં જઈને અનિલ ખીમાણીની અંતિમ વિધિ કરી હતી.
૩૫ વર્ષના અનિલના પિતા લાલજી ખીમાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને સિવિલ હૉસ્પિટલમાંથી ૨૭ જૂને સાંજે DNA મૅચ થયા હોવાનો ફોન આવ્યો હતો અને મૃતદેહ લઈ જવા માટે કહ્યું હતું. એથી અમે ગઈ કાલે સિવિલ હૉસ્પિટલ ગયા હતા અને અનિલનો મૃતદેહ સ્વીકારીને અમારા ગામ આવવા રવાના થયા હતા. ઘટના બન્યા બાદ ઘણો ટાઇમ થઈ ગયો હોવા છતાં મારા પુત્રનો મૃતદેહ મળતો નહોતો એટલે અમારે કરવાનું શું? મરનારની પાછળ અંતિમ સંસ્કારવિધિ અને બીજી વિધિ તો કરવી પડેને? એટલે અમે નિર્ણય કરીને મૃતદેહ વગર ૨૬ જૂને પ્રતીકાત્મક રીતે અંતિમ ક્રિયા ગામના સ્મશાનમાં કરી હતી.’
લાલજી ખીમાણીએ પોતાના દીકરાની વાત કરતાં કહ્યું હતું કે ‘લંડનમાં અનિલનાં માસા-માસી, ફઈ, મોટા બાપા સહિતનાં સગાંઓ રહે છે એટલે અનિલ તેમને મળવા માટે લંડન જવા અમદાવાદ ઍરપોર્ટ પરથી રવાના થયો હતો અને આ ઘટના બની. અનિલને એક ચાર વર્ષની અને બીજી છ મહિનાની એમ બે દીકરીઓ છે. દીકરાની આ રીતે અચાનક વિદાય થશે એવું કલ્પનામાં પણ વિચાર્યું નહોતું.’