11 August, 2026 10:59 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
સિંહણ સ્મૃતિ સ્મારક મંદિર અને એમાં મુકાયેલા બે સિંહણના ફોટો.
સૌરાષ્ટ્રના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં બનાવેલા સ્મૃતિ સ્મારકમાં ગઈ કાલે સિંહપ્રેમીઓએ એકઠા થઈને સિંહ દિવસની હરખભેર ઉજવણી કરી હતી. સિંહણની પૂજા કરીને આરતી ઉતારીને સિંહપ્રેમીઓએ સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણની યાદોને વાગોળી હતી અને સિંહોના સંરક્ષણનો સંકલ્પ લીધો હતો.
સ્મૃતિ સ્મારક બનાવનાર રાજુલા નેચર ક્લબના પ્રમુખ વિપુલ લહેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૩માં ગુડ્સ ટ્રેનની અડફેટે સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણનાં મોત થયાં હતાં. તેમની યાદમાં ૨૦૧૪માં આ સ્મારક મંદિર બનાવ્યું છે. વિશ્વનું આ એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર છે જ્યાં દર વર્ષે સિંહ દિવસ ઊજવાય છે. આ વર્ષે સિંહ દિવસે સિંહપ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓ સહિતના કર્મચારીઓ, ભૂતપૂર્વ વિધાનસભ્ય અંબરીશ ડેર સહિતના લોકો હાજર રહ્યા હતા અને સિંહોના સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત સિંહ ચાલીસા બોલાઈ હતી, આરતી ઉતારવામાં આવી હતી અને પ્રસાદનું આયોજન કર્યું હતું.’
સિંહપ્રેમીઓએ કાળી પટ્ટી ધારણ કરીને જમીન નહીં આપવા ઉઠાવી માગણી
વિપુલ લહેરીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘રાજુલા નેચર ક્લબના સભ્યોએ કાળી પટ્ટી ધારણ કરીને જંગલની રિક્ષત જમીન માઇનિંગ માટે ન આપવામાં આવે અેવી માગણી સરકાર સમક્ષ કરી છે. બાબરકોટની જમીન રિઝર્વ ફૉરેસ્ટની જમીન છે ત્યાં ૫૦ જેટલા સિંહો રહે છે. આ રિક્ષત જમીન સરકાર ન આપે અેવી માગણી અમે કરી છે.’
સેવ લાયનનું ફૉર્મેશન રચ્યું સ્ટુડન્ટ્સે
વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં વન્યજીવ સંરક્ષણ, સિંહોના સંવર્ધન, માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અને પર્યાવરણ જતન વિશે જનજાગૃતિ ફેલાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ ઉપરાંત કેશોદ, તાલાલા સહિતનાં નગરોની શાળાઓમાં રૅલીનું આયોજન થયું હતું. આ ઉપરાંત સ્ટુડન્ટ્સને બેસાડીને સિંહ અને સેવ લાયનનું ફૉર્મેશન રચાયું હતું.