10 August, 2024 07:13 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગીરના જંગલમાં વિહરતા સિંહો.
સિંહોના સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસોના પગલે સિંહોની વસ્તી વધતાં હવે ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે, જેને પગલે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એશિયાટિક સિંહોની ડણક સંભળાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં આવેલુ ગીરનું જંગલ ૧૮૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે. ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય, પાણિયા વન્ય જીવ અભયારણ્ય, મિતિયાળા વન્ય જીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલોનો સમાવેશ થાય છે જે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું છે. ૧૯૯૦માં ગુજરાતમાં સિંહોની વસ્તી ૨૮૪ હતી. વર્ષ ૨૦૨૦ની ગણતરી પ્રમાણે સિંહોની વસ્તી વધીને ૬૭૪ પર પહોંચી છે. એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતાં તેમનો રહેણાક-વિસ્તાર પણ વિસ્તર્યો છે. હાલ ગીરના સિંહો સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓના ૩૦ હજારથી વધુ ચોરસ કિલોમીટરમાં વિહરતા જોવા મળી રહ્યા છે. સિંહોની વસ્તી વધતાં એના રહેઠાણનો વિસ્તાર વધ્યો છે. આજે ગીરના સિંહો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળી રહ્યા છે.
આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે વિશ્વભરમાં સિંહોના રહેઠાણ તરીકે પ્રસિદ્ધ એવા સાસણ ગીરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને વન પર્યાવરણપ્રધાન મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે.