12 February, 2026 07:03 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
સાધુ-સંતો અને શિવભક્તોએ પદયાત્રા કરી ભવનાથ મંદિરે પહોંચ્યા. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંગમરૂપ પાંચ દિવસ ચાલનારા આ મેળાનો ધ્વજારોહણ કરીને થયો વિધિવત્ પ્રારંભ
સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભવનાથ ખાતે ગિરિ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રિના મેળાનો ગઈ કાલે ‘હર હર મહાદેવ, જય ગિરનારી’ના નાદ સાથે રંગેચંગે પ્રારંભ થયો હતો. સાધુ-સંતો અને શિવભક્તો પદયાત્રા કરીને ભવનાથ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે ધ્વજારોહણ કરીને મેળાનો ભક્તિમય માહોલમાં વિધિવત્ પ્રારંભ કરાવ્યો હતો.
ભવનાથ મંદિરમાં સાધુ-સંતો, અગ્રણીઓ અને અધિકારીઓએ ધ્વજાનું શાસ્ત્રોક્ત પૂજન કરીને ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું. ભક્તિમય માહોલમાં ધ્વજારોહણ સમયે સૌકોઈએ હર હર મહાદેવ, જય ગિરનારીના નાદ કરતાં ભવનાથનો તળેટી વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. સાંજે સાધુ-સંતોને આવકારવા માટે ડમરુયાત્રા યોજાઈ હતી જેમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જોડાયા હતા. મહાશિવરાત્રિના મેળામાં આ વર્ષે પહેલી વાર સાધુ-સંતો, અગ્રણીઓ અને અધિકારીઓએ ભરડા વાવથી ભવનાથ મંદિર સુધી પદયાત્રા કરી હતી. ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગિરિબાપુ, ભારદ્વાજ ગિરિબાપુ, હરિહરાનંદ બાપુ, રામદાસબાપુ, કિશનદાસ બાપુ, રામસ્વરૂપદાસ બાપુ તેમ જ જુદા-જુદા અખાડાના સાધુ-સંતો, જિલ્લા-કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ પદયાત્રામાં જોડાયા હતા.
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંગમરૂપ મહાશિવરાત્રિના મેળામાં દેશભરમાંથી સાધુ-સંતો અને ધાર્મિકજનો ઊમટી રહ્યા છે. એને પગલે ગિરનાર તળેટીમાં આવેલા જુદા-જુદા આશ્રમો અને અખાડાઓમાં પાંચ દિવસ દરમ્યાન ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ રચાશે.