ખંભાતના કાણીસા ગામે સાત વર્ષની બાળકી પર રેપ કરીને તેની હત્યા કરનારા નરાધમને ડબલ ફાંસીની સજા

26 April, 2025 12:49 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

મહોલ્લામાં રહેતો યુવાન બિસ્ક્ટિ ખવડાવવાની લાલચમાં બાળકીને ગામમાંથી ખેતરમાં લઈ ગયો અને દુષ્કર્મ આચરીને, મર્ડર કરીને લાશ કાંસમાં ફેંકી દીધી

બે પોલીસ કર્મચારીની વચ્ચે આરોપી અર્જુન ગોહેલ.

મધ્ય ગુજરાતના ખંભાત પાસે આવેલા કાણીસા ગામે બેસતા વર્ષના દિવસે સાત વર્ષની બાળકીને તેના જ મહોલ્લાનો અર્જુન ગોહેલ બિસ્કિટ આપવાની લાલચે ગામમાંથી બહાર ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેના પર રેપ કર્યા બાદ તેનું મર્ડર કરીને તેની લાશને પાણીના કાંસમાં નાખી દીધી હતી. આ ગુના બદલ ખંભાતના સેશન્સ કોર્ટના સેકન્ડ ઍડિશનલ સેશન્સ જજ પ્રવીણકુમારે આરોપી અર્જુન ગોહેલને દોષી ઠેરવીને ગઈ કાલે ડબલ ફાંસીની સજા ફરમાવી હતી. આણંદ પંથકમાં આ પહેલી એવી સજા છે જેમાં આરોપીને ડબલ ફાંસીની સજા ફટકારાઈ હોય.

સ્પેશ્યલ પ​​બ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ આ કેસ ​વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૯ની ૨૮ ઑક્ટોબરે, બેસતા વર્ષના દિવસે આ ઘટના બની હતી, જેમાં કાણીસા ગામે બહેનપણીઓ સાથે સંતાકૂકડી રમી રહેલી સાત વર્ષની બાળકીને તેના જ મહોલ્લામાં રહેતો અર્જુન ગોહેલ બિસ્કિટ આપવાના બહાને બહાર લઈ ગયો હતો. તે જ્યારે આ છોકરીને લઈ જતો હતો ત્યારે ત્યાં રમતી બીજી છોકરીઓ પણ તેની સાથે થઈ હતી, પણ આરોપી તેમને સમજાવી દઈને સાથે લઈ ગયો નહોતો. આરોપી છોકરીને ગામના બજારમાંથી ખેતર સુધી લઈ ગયો હતો અને બપોરે તેની સાથે દુષ્કર્મ કરીને તેનું ગળું દબાવીને મારી નાખી હતી. ત્યાર બાદ તેની લાશને પાણીના કાંસમાં નાખી દીધી હતી. બીજી તરફ છોકરી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, જેમાં પાણીના કાંસમાંથી તેની ડેડ-બૉડી મળી આ‍વી હતી. તેના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હતું. આ ઘટનાને પગલે પોલીસને બોલાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરીને આરોપીની રાતે જ ધરપકડ કરી લીધી હતી. આરોપી જ્યારે મહોલ્લામાંથી આ છોકરીને લઈને ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ત્રણ જણે જોયો હતો.’

આ કેસમાં પોલીસે અપહરણ, મર્ડર, પુરાવાનો નાશ કરવો તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POSCO-પૉક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટ સમક્ષ અમે એવી દલીલ કરી હતી કે ફૂલ જેવી નાનકડી બાળકી સાથે આવું વર્તન કર્યું એ રૅરેસ્ટ ઑફ ધ રૅર કેસ છે એટલે આરોપીને મહત્તમ સજા ફટકારવામાં આવે. આ કેસમાં ઍડિશનલ સેશન્સ જજ પ્રવીણકુમારે મર્ડર અને પૉક્સોની કલમ (૬) હેઠળ જાતીય હુમલાના ગુનામાં તકસીરવાર ઠેરવીને ડબલ ફાંસીની સજા ફરમાવી હતી. એટલે કે બે જુદા-જુદા ગુના, એક મર્ડર તેમ જ બીજા પૉક્સોની કલમ (૬) હેઠળ જાતીય હુમલાના ગુનામાં અલગ-અલગ રીતે ફાંસીની સજા સંભળાવી હતી.

 ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ૨૪ વર્ષના આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ વિરુદ્ધ દોઢ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવામાં યોગદાન આપનાર તમામ પોલીસ-કર્મચારીઓ, અધિકારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

gujarat Gujarat Crime Rape Case sexual crime Protection of Children from Sexual Offences Act POCSO news gujarat news