03 April, 2025 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો બધું સીધે સીધું ઊતરે તો આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના વડા મથક મહેસાણાથી મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ થાય એવા સંજોગો ઊભા થયા છે. મહેસાણાથી મુંબઈ સુધી હવાઈ-સર્વિસ શરૂ કરવી અત્યંત આવશ્યક છે એવી રજૂઆત ગઈ કાલે રાજ્યસભાના સંસદસભ્ય મયંક નાયકે સંસદ ગૃહમાં કરીને માગણી કરી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સંસદસભ્ય મયંક નાયકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહેસાણાથી મુંબઈ વચ્ચે રોજની એક ફ્લાઇટ શરૂ થાય એ માટે સંસદમાં ઝીરો અવર્સ દરમ્યાન રજૂઆત કરી હતી. મહેસાણા એ ઉત્તર ગુજરાતનું મહત્ત્વનું ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર છે. મહેસાણાની આસપાસ આવેલા પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લા તેમ જ રાજસ્થાનનો ગુજરાતને અડતો વિસ્તાર છે એના લોકોને પણ જો મહેસાણા–મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ થાય તો એનો લાભ મળશે, કેમ કે મહેસાણા સહિતના આ વિસ્તારના લોકો ધંધા-રોજગાર, સારવાર અને અભ્યાસ માટે મુંબઈ જતા હોય છે. મહેસાણાથી મુંબઈ અને મુંબઈથી મહેસાણા વચ્ચે રોજની એક ફ્લાઇટ શરૂ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. મને ખાતરી છે કે આવનારા દિવસોમાં મહેસાણાથી મુંબઈ વચ્ચે હવાઈ-સર્વિસ શરૂ થશે.’