03 July, 2025 08:09 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
ગામની માધ્યમિક શાળાની મુલાકાત વખતે ડૉક્ટર્સ ડે હોવાથી શિક્ષકો અને ગામના અગ્રણીઓએ સરપંચ ડૉ. જૈમિની જાયસવાલને શુભકામના આપી હતી.
વડોદરાથી અંદાજે પંદરેક કિલોમીટર દૂર આવેલા ઇન્દ્રાડ ગામમાં ડૉ. જૈમિની જાયસવાલે અસુવિધા સાથે ગંદકી જોઈ અને તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચની ચૂંટણી લડવાનું મન બનાવીને જીત મેળવી છે. હવે આ મહિલા ડૉક્ટર-સરપંચ પોતાની સાસરીના ગામમાં અસુવિધાનું ઑપરેશન કરીને ગ્રામજનોની સુખાકારી માટે કાર્યરત થશે.
મૂળ અમદાવાદનાં અને ઇન્દ્રાડ ગામમાં પરણીને ગયેલાં ડૉ. જૈમિની જાયસવાલે સરપંચની ચૂંટણી જીત્યા બાદ હવે એજ્યુકેશન, હેલ્થ અને હાઇજીન પર ફોકસ કરીને ગ્રામજનો માટે કામો કરવા પ્લાનિંગ કર્યું છે. માસ્ટર ઑફ સર્જરી (MS) ડૉ. જૈમિની જાયસવાલના નસીબજોગે આ વખતે સરપંચની બેઠક મહિલા-અનામત હતી એટલે તેમના માટે ગામના સરપંચ બનવાનો રસ્તો આસાન બન્યો હતો.
ચૂંટણી જીત્યા બાદ પતિ સંદીપ અને મમ્મી પવિત્રાબહેન સાથે ખુશી મનાવતાં ડૉ. જૈમિની જાયસવાલ.
ઇન્દ્રાડ ગામમાં સાસરું અને વડોદરાના હરણી વિસ્તારમાં ક્લિનિક ધરાવતાં ડૉ. જૈમિની જાયસવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્દ્રાડ ગામ મારું સાસરું છે. ગામમાં અમારો પરિવાર રહે છે. મારું ક્લિનિક વડોદરામાં છે એટલે હું વડોદરા અને ગામમાં બન્ને જગ્યાએ રહું છું અને ગામમાં આવતી-જતી રહું છું. દિવાળીના દિવસોમાં હું જ્યારે ગામમાં ગઈ હતી ત્યારે પાણી ભરાયેલાં જોયાં હતાં, ડમ્પિંગ સાઇટ સહિત ગામમાં ગંદકી જોઈ હતી, ગામમાં જે હેલ્થ-સબ-સેન્ટર છે ત્યાં તેમ જ સ્કૂલની આસપાસ ગંદકી જોઈ હતી, પંચાયતનું મકાન પણ યોગ્ય ન જણાયું. આ બધું જોતાં મને થયું કે ગામ માટે મારે કંઈક કરવું જોઈએ. લીડરશિપ હાથમાં લઈને કંઈ કરી શકાય એવું મને લાગ્યું એટલે ગામની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું વિચાર્યું. થોડા દિવસ પહેલાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ એમાં મેં ઉમેદવારી કરી હતી. ગામના લોકોને લાગ્યું કે આ મહિલા અમારા પ્રશ્નો સૉલ્વ કરી શકશે એટલે હું લોકોના સહયોગથી પંચાયતમાં ચૂંટણી જીતી. સારી બાબત એ બની કે આ વખતે સરપંચના પદ માટે મહિલા-અનામત બેઠક હતી એટલે હું ચૂંટણી જીતીને સરપંચ બની છું.’
ગામની શાળામાં વિદ્યાર્થીઓ સાથે ડૉ. જૈમિની જાયસવાલ.
હવે ક્લિનિક અને ગામમાં કેવી રીતે બૅલૅન્સ કરશો એ મુદ્દે ડૉ. જૈમિની જાયસવાલે કહ્યું હતું કે ‘હું MS સર્જ્યન છું અને વડોદરા ક્લિનિકમાં સવારે અને સાંજે આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) હોય છે એટલે એ કામ પતાવીને ગામમાં જાઉં છું. ગામની સુખાકારી અને વિકાસ માટે કામ કરવા બન્ને જગ્યાએ બૅલૅન્સ કરીને કામ કરીશ.’