13 November, 2025 08:55 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરત જિલ્લાના અંત્રોલીમાં બની રહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન.
ગુજરાત અને મુંબઈના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા અંત્રોલીમાં બની રહેલા સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં ચાલી રહેલી કામગીરીની જાતમુલાકાત માટે પહેલી વાર તેઓ ૧૫ નવેમ્બરે અંત્રોલીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશને આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી આ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે. નરેન્દ્ર મોદી અંત્રોલી આવી રહ્યા છે ત્યારે સુરતના જિલ્લા કલેક્ટરે વડા પ્રધાનની મુલાકાતને લઈને એની તૈયારી માટે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે અંત્રોલીમાં બની રહેલા સ્ટેશનનું નામ સુરત બુલેટ ટ્રેન સ્ટેશન રહેશે.