મંગળવારે નરેન્દ્ર મોદી કોબા જૈન તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને કરશે લોકાર્પણ

29 March, 2026 10:49 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

આચાર્ય ભગવંત પદ‍્મસાગરસૂરિ મહારાજસાહેબે ૫૦ વર્ષ દરમ્યાન એકત્ર કરેલાં હસ્તલિખિત ગ્રંથો, પ્રાચીન સાહિત્ય, મૂર્તિઓ મ્યુઝિયમમાં થશે પ્રદર્શિત: મ્યુઝિયમ બનશે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું સંગમસ્થાન

કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની ઝલક.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ૩૧ માર્ચે ગુજરાતની મુલાકાત લેવાના છે. તેઓ ગાંધીનગર–અમદાવાદ હાઇવે પર આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને લોકાર્પણ કરશે. આ મ્યુઝિયમ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું સંગમસ્થાન બની રહેશે. હસ્તલિખિત ગ્રંથો, પ્રાચીન સાહિત્ય તેમ જ મૂર્તિઓ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. એટલું જ નહીં, સાત ગૅલરીઓમાં સમયની યાત્રા પણ કરાવવામાં આવશે.    

નરેન્દ્ર મોદી કોબા, સાણંદ અને બનાસકાંઠામાં વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામની પણ મુલાકાત લેશે અને વિવિધ વિકાસકાર્યો લોકાર્પણ કરશે તેમ જ સભાને સંબોધશે. 
આચાર્ય ભગવંત પદ્‍મસાગરસૂરિ મહારાજસાહેબે છેલ્લાં ૫૦ વર્ષોથી સમગ્ર ભારત અને નેપાલ સુધી લગભગ બે લાખ કિલોમીટરથી વધુ પગપાળા વિહાર યાત્રા કરીને હસ્તલિખિત ગ્રંથો, પ્રાચીન સાહિત્ય, મૂર્તિઓ અને અન્ય ઍન્ટિક ચીજવસ્તુઓનો સંગ્રહ એકત્ર કર્યો છે એ કોબાના મ્યુઝિયમમાં પ્રદર્શિત થશે. બે હજારથી વધુ પ્રાચીન શિલ્પ અને કળાસામગ્રીઓનો અનોખો સંગ્રહ અહીં હશે, સમયની યાત્રાએ લઈ જતી ૭ ગૅલરીઓ અહીં હશે; વેદ, પુરાણ, ઇતિહાસ, આયુર્વેદ સહિતની પ્રાચીન હસ્તપ્રતોનો અનોખો સંગમ આ મ્યુઝિયમમાં જોવા મળશે.  

નરેન્દ્ર મોદી ૫૨૯૫ કરોડથી વધુના ૪૪ વિકાસપ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ 

નરેન્દ્ર મોદી અમદાવાદ, ગાંધીનગર, વડનગર, પાટણ, સાણંદ સહિતનાં શહેરો-ગામો માટે ૫૨૯૫ કરોડ રૂપિયાથી વધુના ૪૪ વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઐતિહાસિક નગરી વડનગરના વારસાને જાળવી રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે ૩૪.૪૫ કરોડ રૂપિયાના ખર્ચે હેરિટેજ ટાઉન શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યકરણ પ્રોજેક્ટ સહિતના વિવિધ પ્રકલ્પોને લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદી હિંમતનગર–ખેડબ્રહ્મા સુધીની પંચાવન કિલોમીટરની નવી રેલવેલાઇનનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ ખેડબ્રહ્માથી હિંમતનગર થઈને અમદાવાદ સુધીની નવી ટ્રેનને લીલી ઝંડી આપશે.

gujarat news gujarat narendra modi gandhinagar banaskantha jain community