ડૉક્ટર્સ ડેની ફળશ્રુતિ : શક્તિપીઠ અંબાજીમાં ૧૫૦થી વધુ લોકોએ કર્યો અંગદાનનો સંકલ્પ

02 July, 2025 07:23 AM IST  |  Gandhinagar | Shailesh Nayak

છેલ્લાં ચાર વર્ષથી આવા કાર્યક્રમો થકી અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકો અંગદાન કરી ચૂક્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ૯ લોકોએ અંગદાન કર્યું છે

અંબાજીમાં ગામના અગ્રણીઓ, સ્ટુડન્ટ્સ સહિતના લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો અને અંગદાન અને રક્તદાન જાગૃતિ અભિયાનમાં ઉપસ્થિત મહાનુભાવો.

ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અને વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગઈ કાલે નૅશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે માનવતાભર્યું સદ્કાર્ય થયું છે જેમાં ૧૫૦થી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો. 

નૅશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે અંબાજીમાં અંગદાન એ જીવનદાન અને રક્તદાન એ મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ દેશમુખ, ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના નૅશનલ પ્રેસિડન્ટ ડૉ. અનિલ નાયક અને અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ દેશમુખે અંગદાનનું મહત્ત્વ સમજાવીને વધુમાં વધુ લોકો અંગદાન કરે અને કોઈનું મૃત્યુ પૈસા કે અંગના અભાવના કારણે ન થાય એવો આશાવાદ વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘છેલ્લાં ચાર વર્ષથી આવા કાર્યક્રમો થકી અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકો અંગદાન કરી ચૂક્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ૯ લોકોએ અંગદાન કર્યું છે.’

આ જાગૃતિ અભિયાનમાં ૩૫થી વધુ બૉટલ રક્તદાન થયું હતું.

gujarat ambaji religious places organ donation health tips news gujarat news