26 June, 2025 11:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની નેત્રોત્સવવિધિ કરવામાં આવી હતી અને તેમની આંખે પાટા બાંધ્યા હતા.
અષાઢ સુદ બીજ ને શુક્રવારે અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા પૂર્વે ગઈ કાલે જગતના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની ભાવપૂર્વક નેત્રોત્સવવિધિ કરાઈ હતી. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી નેત્રોત્સવવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતી ઉતારીને પ્રભુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
જગન્નાથ મંદિરમાં ગઈ કાલે સવારે મોસાળથી આવેલા ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાઈ હતી. મોસાળથી આવેલા ભગવાનને આંખો આવતાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પ્રભુની નેત્રોત્સવવિધિ કરી હતી. મંદિરમાં ભક્તજનો જગતના નાથનાં દર્શને ઊમટ્યાં હતાં. નેત્રોત્સવવિધિ બાદ ધ્વજારોહણ થયા પછી ભારતભરમાંથી આવેલા સાધુ-સંતો માટે ભંડારો યોજાયો હતો.
હાથીઓનું થઈ રહ્યું છે હેલ્થ-ચેકિંગ
અમદાવાદની રથયાત્રામાં જોડાનારા હાથીઓની હેલ્થનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસથી હાથીઓના શારીરિક અને માનસિક આરોગ્યનું સતત મૉનિટરિંગ થઈ રહ્યું છે અને તમામ હાથીઓનું હેલ્થ-ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને તેમનાં હેલ્થ-સર્ટિફિકેટ પણ ઇશ્યુ કરવામાં આવે છે. રથયાત્રા સુધી તેમનું હેલ્થ-ચેકિંગ થશે. હાથીઓને કોઈ માખી કે ઇતરડી જેવા જીવ-જંતુઓ પજવતા હોય તો એને દૂર કરવામાં આવે છે. રથયાત્રા દરમ્યાન અમારી એક ટીમ અને વન વિભાગની એક ટીમ હાથીઓની સાથે જ રહેશે.’