નરીમાન પૉઇન્ટ સુધી લંબાવાશે નવી દિલ્હી-મુંબઈ ગ્રીન હાઇવેને

18 September, 2021 10:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વડોદરા પાસે માર્ગનું ખાતમુરત કરવા આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હી–મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણકાર્ય પૂરું થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડાત્રણ કલાકમાં પહોંચી જવાશે

ભરૂચ નજીક નર્મદા નદી પર બનાવવામાં આવેલા બ્રિજનું નિરીક્ષણ કરી રહેલા કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી (તસવીર : પી.ટી.આઈ.)

દિલ્હી–મુંબઈ વચ્ચે બની રહેલો ગ્રીન હાઇવે મુંબઈના નરીમાન પૉઇન્ટ સુધી લંબાવવામાં આવશે તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે વડોદરામાં કહ્યું હતું.

વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ ૪૮ અને એક્સપ્રેસવે પર વડોદરા–સાવલી જંક્શનના સુધારા કામનું ખાતમુરત ગઈ કાલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘દિલ્હી–મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણકાર્ય પૂરું થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડાત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ ગ્રીન હાઇવે વિશ્વનો સૌથી મોટો હાઇવે છે જેનું રૂપિયા એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂપિયા ૧.૨૫ લાખ કરોડના માર્ગોનાં કામ ચાલી રહ્યાં છે અને વધુમાં ૧.૨૫ લાખ કરોડનાં કામ મંજૂર કરવામાં આવ્યાં છે.’

તેમણે એમ પણ કહ્યું હતું કે ‘દિલ્હી–મુંબઈ ગ્રીન હાઇવે ગુજરાતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ હાઇવે છે. ગુજરાતમાં ૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કિલોમીટરના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ કિલોમીટર પૈકી ૪૦ ટકા કામ પૂરુ થયું છે. વડોદરા–અંકલેશ્વરના ૧૦૦ કિલોમીટર માર્ગનું કામ ૨૦૨૨ સુધીમાં પૂરું થશે. ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલસામાનની હેરફેર ડ્રોનથી થાય એવી સુવિધા વિકસાવવામાં આવશે.’ આ પ્રસંગે વન અને પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણા, સંસદસભ્ય રંજન ભટ્ટ, વિધાનસભ્યો, નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ઑફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાષણો યુટ્યુબ પર મૂકીને ગડકરી મહિને ચાર લાખ કમાઈ લે છે

જો યુટ્યુબ પર કોઈ વિડિયોના સારા વ્યુ આવે અને યુટ્યુબ ચૅનલ પર સતત નવું કન્ટેન્ટ જાય તો એને મૉનેટાઇઝ કરી શકાય છે. એના દ્વારા વિડિયો પર વિજ્ઞાપન આવે છે અને પૈસા મળે છે.  ગુરુવારે અન્ય એક કાર્યક્રમ દરમ્યાન ગડકરીએ પોતાનો ભૂતકાળનો એક પ્રસંગ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે મારાં નવાં-નવાં લગ્ન થયાં હતાં ત્યારે હું રોડ બનાવડાવી રહ્યો હતો અને એ સમયે મેં મારા સસરાના ઘર પર જ બુલડોઝર ફેરવાવડાવી દીધું હતું. તેમના કહેવા પ્રમાણે પત્નીને કહ્યા વગર જ તેમણે સસરાના ઘર પર બુલડોઝર ચલાવડાવી દીધું હતું. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. ગુરુવારે તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નિર્માણની મુલાકાત લીધી હતી અને એ દરમ્યાન તેમણે કેટલીક જગ્યાએ સંબોધન પણ કર્યું હતું. આ દરમ્યાન નીતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે તેઓ આજકાલ યુટ્યુબ દ્વારા દર મહિને ૪ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે કોરોનાકાળમાં તેમણે કુકિંગ શરૂ કર્યું હતું. તેઓ યુટ્યુબ વિડિયો જોઈને ભોજન બનાવતા હતા. ત્યાર બાદ તેમને વિડિયો-કૉન્ફરન્સ દ્વારા અલગ-અલગ દેશોમાં ભાષણ આપવાની તક મળી. તેમણે જર્મની-ન્યુ ઝીલૅન્ડ-અમેરિકા સહિત અનેક દેશોમાં ભાષણ આપ્યાં હતાં. નીતિન ગડકરીએ કહેવા પ્રમાણે તેમને દર મહિને માત્ર યુટ્યુબ દ્વારા જ ૪ લાખ રૂપિયા મળે છે, કારણ કે ભાષણના વિડિયો યુટ્યુબ પર હોય છે અને લોકો એ જુએ છે.

gujarat gujarat news nitin gadkari mumbai vadodara new delhi nariman point shailesh nayak