ગુજરાતમાં પહેલી વાર અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં થયું ૨૦૦મું અંગદાન

13 July, 2025 12:05 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

કુલ ૬૫૭ અંગો મળ્યાં દાનમાં, જેનાથી ૬૩૮ લોકોને નવજીવન મળ્યું : ૩૬૪ કિડની, ૧૭૫ લિવર, ૬૪ હૃદય, ૩૨ ફેફસાં, ૧૪ સ્વાદુપિંડ, ૬ હાથ, બે નાનાં આંતરડાં અને ૨૧ ચામડીનું થયું છે દાન

અંગદાન પહેલાં સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફે અંગદાતા મહેશ સોલંકી માટે પ્રાર્થના કરી હતી.

એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્‍‍‍‍મિટ થયેલા અને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવેલા અમરેલીના મહેશ સોલંકીના પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો. એને પગલે ગુજરાતમાં પહેલી વાર અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ૨૦૦મું અંગદાન થયું હતું. ૨૦૦ પરિવારોએ માનવતાનાં મૂલ્યોને સાર્થક કરીને બીજાના જીવન માટે ઉપયોગી થવાનો નિર્ણય લીધો એને કારણે કુલ  ૬૩૮ વ્યક્તિઓમાં જુદાં-જુદાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.

બગસરાથી હુમાપુર ગામના રસ્તા પર બીજી જુલાઈએ મહેશ સોલંકીને પિક-અપ ગાડીએ ટક્કર મારી હતી અને તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને પહેલાં બગોદરા અને એ પછી અમરેલી સિવિલ હૉસ્પિટલ અને ત્યાંથી ભાવનગર સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાર બાદ ૭ જુલાઈએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ૯ જુલાઈએ ડૉક્ટરોએ તેમને બ્રેઇન-ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હૉસ્પિટલની અંગદાનની ટીમે મહેશ સોલંકીના પરિવારજનોને અંગદાન વિશે સમજાવતાં પરિવારજનોએ અંગોનું દાન કરવા માટેની સંમતિ આપીને ૧ લિવર, ૨ કિડની અને ૧ સ્વાદુપિંડનું દાન કર્યું હતું.

૨૦૦માં અંગદાતા મહેશ સોલંકી.

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લાં સાડાચાર વર્ષથી ચાલી રહેલા અંગદાનના આ યજ્ઞમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. આજ સુધી કુલ ૨૦૦ પરિવારો અંગદાન માટે સંમત થયા છે જેના દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે અને એને કારણે ૬૩૮ લોકોને નવજીવન મળ્યું છે. અત્યાર સુધી ૩૬૪ કિડની, ૧૭૫ લિવર, ૬૪ હૃદય, ૩૨ ફેફસાં, ૧૪ સ્વાદુપિંડ, ૬ હાથ, બે નાનાં આંતરડા અને ૨૧ સ્કિનનું દાન મળ્યું છે.’  

અંગદાનની આંકડાબાજી

૨૦૦ અંગદાતાઓમાંથી ૧૫૬ પુરુષ અને ૪૪ સ્ત્રી

૨૦૦ અંગદાતાઓમાં ૧૭૬ ગુજરાતના, રાજસ્થાનના, મધ્ય પ્રદેશના, ઉત્તર પ્રદેશના અને નેપાલના

ગુજરાતના ૧૭૬ અંગદાતામાંથી સૌથી વધુ ૬૮ અમદાવાદના

ahmedabad medical information organ donation news gujarat gujarat news asia