07 August, 2026 10:23 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન યોજાશે જેમાં ભારત-પાકિસ્તાન સરહદે આવેલાં ગામડાંઓથી લઈને શહેરોમાં ૧૨૦૦થી વધુ તિરંગાયાત્રા યોજાશે. ૯થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે. ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી આપતાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘દેશની સુરક્ષા માટે શહાદત આપનારા વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમ જ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ નાગરિકોમાં દેશભક્તિની ભાવના મજબૂત કરવાના હેતુથી ગુજરાતમાં ૯થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા પ્રધાનમંડળના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦ ઑગસ્ટે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગાયાત્રા અને તિરંગા કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૧ ઑગસ્ટે અમદાવાદ, ૧૨ ઑગસ્ટે રાજકોટ અને ૧૪ ઑગસ્ટે વડોદરામાં તિરંગાયાત્રા યોજાશે. હર ઘર તિરંગા અને તિરંગાયાત્રા દેશભક્તિનું કેન્દ્ર બનશે.’
૭૦ લાખથી વધુ ઘરો પર લહેરાવવામાં આવશે તિરંગો
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘આ વર્ષે ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલાં ગામડાંઓથી લઈને રાજ્યનાં મોટાં શહેરો સુધી તમામ જિલ્લાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધીમાં વિવિધ ધાર્મિક તેમ જ સામાજિક સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં ૧૨૦૦થી વધુ તિરંગાયાત્રાઓ યોજવા માટે મંજૂરી લેવામાં આવી છે. રાજ્યની યુનિવર્સિટીઓ, શાળા-કૉલેજો પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ૧૪ ઑગસ્ટે તમામ જિલ્લા મથકો પર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો ખાસ કાર્યક્રમ યોજાશે.’