20 May, 2025 12:11 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સાબરમતી નદીના પટની સફાઈમાં જોડાયેલા લોકો.
અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે શહેરીજનો આગળ આવ્યા છે અને પોતાની જવાબદારી સમજીને છેલ્લા પાંચ દિવસમાં અંદાજે ૩૦,૦૦૦થી વધુ લોકોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સફાઈ-કર્મચારીઓ સાથે મળીને શ્રમદાન કરીને અત્યાર સુધીમાં ૨૮૭ ટનથી વધુ કચરો નદીના પટમાંથી કાઢ્યો છે અને સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે કમર કસી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા સફાઈ અભિયાનમાં ગઈ કાલે પાંચમા દિવસે ૩૧૦૦થી વધુ લોકોએ એકઠા થઈને શ્રમદાન કરીને અંદાજે ૩૭ ટન કચરાનો નિકાલ કર્યો હતો. ૧૫ મેથી શરૂ થયેલા સફાઈ-અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ ઑર્ગેનાઇઝેશનો, જુદા-જુદા સમાજના લોકો તેમ જ શહેરના આગેવાનો સહિતના લોકોએ શ્રમદાનમાં જોડાઈને પોતાના શહેરની વચ્ચોવચથી પસાર થતી નદીની સાફસફાઈ કરવા આગળ આવીને બીજાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છ સાબરમતી અભિયાનમાં જોડાવા માટે QR કોડ આપ્યો છે એને સ્કૅન કરીને પણ લોકો પોતાની રીતે સફાઈકામ કરવા આવી રહ્યા છે. બુલડોઝર, ટ્રક, ટ્રૅક્ટર, કોદાળી, પાવડા સહિતનાં સાધનોથી સફાઈ કરતા લોકો નદીના પટમાં રોજ જોવા મળી રહ્યા છે. સાબરમતી નદીનું સફાઈ-અભિયાન પાંચમી જૂન સુધી ચાલુ રહેશે.