અંબાજીમાં યોજાઈ અનોખી શાસ્ત્રીય સ્પર્ધા ૭૦૦થી વધુ ઋષિકુમારોએ લીધો ભાગ

20 December, 2025 11:34 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વેદો અને શાસ્ત્રોની જાળવણી થાય અને સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રુચિ કેળવાય એ હેતુ હતો : વ્યાકરણ, જ્યોતિષ સહિતનાં શાસ્ત્રોનાં ભાષણ, કંઠપાઠ ની સ્પર્ધા યોજાઈ

અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલી સ્પર્ધામાં ઋષિકુમારો અને મહાનુભાવો

વેદો અને શાસ્ત્રોની જાળવણી થાય અને સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રુચિ કેળવાય એ હેતુથી ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સંસ્કૃત શાસ્ત્રોની પરંપરાને ઉજાગર કરતી રાજ્ય સ્તરની શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના નેજા હેઠળ અંબાજીમાં આવેલી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાનપદે યોજાયેલી રાજ્યસ્તરીય આ સ્પર્ધામાં વ્યાકરણ, જ્યોતિષ સહિતનાં શાસ્ત્રોના ૩૬ જેટલા વિષયોમાં ભાષણ, શલાકા અને કંઠપાઠ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ગુજરાતમાં આવેલા જુદાં-જુદાં સંસ્કૃત મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા ૭૦૦થી વધુ ઋષિકુમારો, ૧૫૦થી વધુ માર્ગદર્શકો, વિષયનિષ્ણાત નિર્ણાયકો, અધ્યાપકો તથા પ્રધાનાચાર્યોની ઉપસ્થિતિમાં સ્પર્ધા યોજાઈ હતી. પહેલા ત્રણ ક્રમે આવેલા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલી આ સ્પર્ધા દરમ્યાન રાષ્ટ્ર કલ્યાણ અર્થે સહસ્ર ચંડીયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વેદપાઠ અને સ્તુતિઓથી વાતાવરણ અલૌકિક બન્યું હતું.  

gujarat government culture news gujarat ahmedabad news