30 June, 2025 06:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બેઠેલા અને પ્લેન-ક્રૅશની ગોઝારી ઘટનાનો ભોગ બનેલા કચ્છના અનિલ ખીમાણીનો મૃતદેહ ગઈ કાલે તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. પ્લેન-ક્રૅશનો ભોગ બનેલા પૅસેન્જરની આ છેલ્લી ડેડ-બૉડી હતી જે તેના સ્વજનોને સન્માનપૂર્વક સોંપી દેવાઈ હતી. આ સાથે તમામ પૅસેન્જર અને ક્રૂ-મેમ્બર્સની ડેડ-બૉડી તેમના સ્વજનોને સોંપી દેવામાં આવી છે.
ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું હતું કે ‘૧૨ જૂને અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનાના તમામ પૅસેન્જર અને ક્રૂ-મેમ્બર્સના ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) મૅચ થઈ ગયા છે અને આ તમામ ૨૪૧ જીવ ગુમાવનારા લોકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં DNA-ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ મળીને કુલ ૨૬૦ જણની ઓળખ થઈ ચૂકી છે અને આ તમામ પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ૨૫૪ વ્યક્તિના DNA મૅચ થયા એમાંથી ૨૪૧ પૅસેન્જર અને ૧૩ નૉન-પૅસેન્જર છે. કુલ ૧૯ નૉન-પૅસેન્જરના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપાયા છે, જેમાં ૧૩ની ઓળખ DNA-રિપોર્ટથી અને ૬ જણની ઓળખ ચહેરાથી થઈ હતી.’
૨૬૦ લોકોમાંથી ૧૮૧ ભારતના, ૭ પોર્ટુગલના, બાવન બ્રિટિશ, ૧ કૅનેડિયન અને ૧૯ નૉન-પૅસેન્જરનો સમાવેશ છે. ૨૬૦ પાર્થિવ દેહમાંથી ૩૧ બાય ઍર તેમ જ ૨૨૯ પાર્થિવ દેહ બાય રોડ તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.