26 August, 2025 11:09 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે બે દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા હતા. ઍરપોર્ટથી નિકોલ સુધી તેમણે રોડ-શો યોજ્યો હતો. રોડ-શો પછી સભાસ્થળે નરેન્દ્ર મોદીએ ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ માટે ૫૪૭૭ કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ગુજરાતમાં તેમના જૂના દિવસોને પણ યાદ કર્યા હતા અને વિરોધ પક્ષો પર ચાબખા પણ વીંઝ્યા હતા. નરેન્દ્ર મોદીએ મહાગુજરાત આંદોલનને પણ યાદ કર્યું હતું અને મુંબઈમાંથી ગુજરાત અલગ થયું ત્યારની સ્થિતિને વાગોળીને ગુજરાતના વિકાસનો ચિતાર આપ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે શું બોલ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી?
ગુજરાતની ધરતી એટલે બે મોહનની ધરતી, સુદર્શન ચક્રધારી મોહન અને ચરખાધારી મોહન.
અમદાવાદમાં એક જમાનામાં કરફ્યુ મુકાતા હતા, હવે સૌથી સુરક્ષિત શહેર છે. મોટી-મોટી ફૅક્ટરીઓ છે. અમદાવાદ સપનાં અને સંકલ્પોનું શહેર બન્યું છે.
આ નવરાત્રિ અને દિવાળીએ ગરીબોને નવાં ઘર મળશે અને તેમના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળશે.
મુંબઈમાંથી ગુજરાતને અલગ કરવાનું આંદોલન ચાલતું હતું, મહાગુજરાત આંદોલન. ત્યારે અનેક લોકો આપણને કહેતા હતા કે તમે ગુજરાતને અલગ કરીને શું કરશો? તમારી પાસે છે શું? રાજ્યમાં ઉદ્યોગ અને ખેતી નથી, શું કરશો? લોકો આપણી મજાક ઉડાડતા હતા, પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી ત્યારે રાજ્યના લોકોએ પાછીપાની ન કરી અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને જવાબ મળ્યો છે. આજે ગુજરાતમાંથી ડાયમન્ડ વિદેશમાં નિકાસ થાય છે. આજે ગુજરાતમાં બનેલા મેટ્રોના કોચ બીજા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે. ગુજરાતમાં વિમાન બને એટલે આનંદ થાય કે ન થાય. ગુજરાત હવે સેમિકન્ડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે.
દુનિયામાં આર્થિક સ્વાર્થભરી રાજનીતિ વચ્ચે દેશના ખેડૂતો, પશુપાલકો, દુકાનદારો, લઘુ ઉદ્યમીઓનાં હિત મારા માટે સર્વોપરી છે.