વડોદરામાં બનશે C-295 ઍૅરક્રાફ્ટ

29 October, 2024 07:58 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાને મળીને તાતા ઍૅરક્રાફ્ટ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે તાતા ઍડ્વાન્સ સિસ્ટમ લિમિટેડ કૅમ્પસમાં C-295 ઍરક્રાફ્ટના ઉત્પાદન માટે તાતા ઍરક્રાફ્ટ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે C-295 ઍરક્રાફ્ટના ઉત્પાદન માટે તાતા ઍરક્રાફ્ટ કૉમ્પ્લેક્સનું ગઈ કાલે ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વડોદરામાં ફાર્મા સેક્ટર, એન્જિનિયરિંગ ઍન્ડ હેવી મશીનરી, કેમિકલ ઍન્ડ ફાર્માસ્યુટિકલ સહિત આવા અનેક સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ વડોદરામાં છે. હવે આ આખું ક્ષેત્ર ભારતમાં એવિયેશન મૅન્યુફૅક્ચરિંગનું પણ મોટું હબ બનવા જઈ રહ્યું છે.’

ઉદ્ઘાટન બાદ નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણની હાઇલાઇટ્સ...

મારા મિત્ર પેડ્રો સાંચેઝની આ પહેલી ભારતની યાત્રા છે. આજથી અમે ભારત અને સ્પેનની પાર્ટનરશિપને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 ઍરક્રાફ્ટ ફૅક્ટરીનો શુભારંભ કરી રહ્યા છીએ. આ ફૅક્ટરી ભારત-સ્પેન સંબંધને મજબૂતી આપવા સાથે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના મિશનને પણ સશક્ત કરનારી છે. હું તાતાની પૂરી ટીમને બહુ શુભકામના આપું છું.
થોડા સમય પહેલાં અમે દેશના મહાન સપૂત રતન તાતાને ખોયા છે. રતન તાતા આજે જો આપણી વચ્ચે હોત તો કદાચ સૌથી વધુ ખુશી તેમને મળી હોત, પણ તેમનો આત્મા જ્યાં પણ હશે એ આજે પ્રસન્નતાનો અનુભવ કરતો હશે.

વડોદરામાં ખાસ એક વાત છે. આ ભારતનું એક મહત્ત્વપૂર્ણ કલ્ચરલ સિટી છે. ફાધર કાર્લો વાલેસ સ્પેનથી આવીને અહીં ગુજરાતમાં વસ્યા હતા. તેમણે તેમના જીવનનાં ૫૦ વર્ષ અહીં વિતાવ્યાં. પોતાના વિચારો અને લેખનથી આપણી સંસ્કૃતિને સમૃદ્ધ કરી. ભારત સરકારે તેમના મહાન યોગદાન માટે તેમને પદ્‍‍મશ્રીથી સન્માનિત કર્યા હતા. અમે ગુજરાતમાં તેમને ફાધર વાલેસ કહેતા હતા. તેઓ ગુજરાતીમાં લખતા હતા. અનેક ગુજરાતી સાહિત્યનાં તેમનાં પુસ્તકો આપણી સાંસ્કૃતિક વિરાસત છે.

મેં સાંભળ્યું છે કે સ્પેનમાં પણ યોગ બહુ પૉપ્યુલર છે. સ્પેનના ફુટબૉલને પણ ભારતમાં બહુ પસંદ કરવામાં આવે છે. ગઈ કાલે જે રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચે મૅચ થઈ એની ચર્ચા ભારતમાં પણ થઈ. બાર્સોલોનાની શાનદાર જીત અહીં પણ ડિસ્ક્શનનો વિષય રહી અને હું તમને ગૅરન્ટી સાથે કહી શકું છું કે બન્ને ક્લબના ફૅન્સમાં ભારતમાં જેટલી નોકજોક થઈ એટલી સ્પેનમાં થઈ છે. ભારત અને સ્પેન વચ્ચે ફૂડ, ફિલ્મ અને ફુટબૉલ બધામાં આપણા સંબંધો સ્ટ્રૉન્ગ છે, નાગરિકો પરસ્પર જોડાયા છે.

રોડ-શો દરમ્યાન નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ જીપમાંથી ઊતરીને દિવ્યાંગ દીકરી પાસે કેમ પહોંચી ગયા?

વડોદરામાં ગઈ કાલે નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે જીપમાં ઊભા રહીને ઍરપોર્ટથી તાતા ફૅક્ટરી સુધી રોડ-શો યોજ્યો હતો. રોડ-શો દરમ્યાન વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની દિવ્યાંગ વિદ્યાર્થિની દિયા ગોસાઈ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનું ચિત્ર બનાવીને તેમને આપવા માટે તેના પરિવારજનો સાથે આવી હતી. જ્યારે વડા પ્રધાનનો કાફલો નીકળ્યો ત્યારે હાથમાં ચિત્ર સાથે વ્હીલચૅરમાં બેઠેલી આ દીકરીને જોઈને નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝે તેમનો રોડ-શો અટકાવીને જીપમાંથી નીચે ઊતરી આ દીકરીને મળવા ગયા હતા. દિયાએ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને તેમનાં ડ્રૉઇંગની ફ્રેમ ગિફ્ટ આપી હતી. બન્ને વડા પ્રધાન પોતાનાં ચિત્રો જોઈને આનંદ પામ્યા હતા અને દીકરીને  પ્રોત્સાહિત કરી હતી અને તેના પેઇન્ટિંગની સરાહના કરી હતી. આ બન્ને વડા પ્રધાને દિયા પાસેથી તેમનાં ડ્રોઇંગ સાથેની ફ્રેમ સ્વીકારીને ખુશી વ્યક્ત કરી હતી.

narendra modi tata group spain vadodara gujarat gujarat news