નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં કરેલો વાયદો સોમનાથ આવીને પૂરો કર્યો

03 March, 2025 07:17 AM IST  |  Somnath | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને નક્કી કર્યું હતું કે તેઓ મહાકુંભ પત્યા પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે જઈને પૂૂજા-અર્ચના કરશે : ગઈ કાલે વનતારાની પણ મુલાકાત લીધી : હવે આજે સાસણ ગીરમાં જંગલ સફારીમાં ભાગ લેશે

ગઈ કાલે સોમનાથ મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ગઈ કાલે તેમણે જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વનતારા પશુ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને સાંજે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સવારે જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી પરિસરમાં સ્થિત ૩૦૦૦ એકરમાં ફેલાયેલા વનતારા પશુ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. એ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, તેમનાં પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અને પુત્રવધૂ રાધિકા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વનતારામાં બચાવી લેવામાં આવેલા ૨૦૦ હાથીને રાખવામાં આવ્યા છે.

સોમનાથ મંદિરમાં પૂજા

વડા પ્રધાન મોદી જામનગરથી સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં પહોંચ્યા હતા અને પ્રથમ જ્યોતિર્લિંગની પૂજા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે અને ટ્રસ્ટની બેઠકની તેમણે અધ્યક્ષતા કરી હતી.

સોશ્યલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન પછી ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. ગઈ કાલે સોમનાથ મંદિરમાં પૂજા બાદ વડા પ્રધાને સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘મેં નક્કી કર્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભ પછી હું સોમનાથ જઈશ જે ૧૨ જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. હું સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરીને ધન્યતા અનુભવું છું. મેં દરેક ભારતીયની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. આ મંદિર આપણી સંસ્કૃતિના કાલાતીત વારસા અને હિંમતને દર્શાવે છે.’

આજે જંગલ સફારી કરશે
રાત્રિમુકામ સાસણ ગીર ખાતે કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર નૅશનલ પાર્કમાં જંગલ સફારીમાં ભાગ લેશે. સિંહસદનમાં તેઓ નૅશનલ બોર્ડ ઑફ વાઇલ્ડ લાઇફ (NBWL)ની બેઠકમાં ભાગ લેશે અને સાસણ ગીરમાં કેટલીક મહિલા વનકર્મીઓ સાથે મુલાકાત કરશે. NBWLમાં ૪૭ મેમ્બર છે જેમાં સેનાપ્રમુખ, વિભિન્ન રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કામ કરનારાં નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન અને વિવિધ રાજ્યોના સેક્રેટરી સામેલ છે. વડા પ્રધાન તેના અધ્યક્ષ હોય છે.


આજે દિવસભરના કાર્યક્રમો પૂરા કર્યા બાદ વડા પ્રધાન રાજકોટથી નવી દિલ્હી જવા રવાના થશે.

narendra modi somnath temple jamnagar religious places india