01 June, 2025 08:11 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નળ સરોવરનાં હિલોળા લઈ રહેલાં પાણી પર સબિન ગલ પક્ષી.
ભારત માટે દુર્લભ ગણાતું આર્કટિક પક્ષી સબિન ગલ અમદાવાદ જિલ્લાના નળ સરોવરમાં શુક્રવારે જોવા મળ્યું હતું. નળ સરોવર પક્ષી અભ્યારણ ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડૉ. શકીરા બેગમે કહ્યું હતું કે ‘આ નાનકડું પક્ષી નળ સરોવરનું મહેમાન બન્યું હતું. પાણીમાં એને જોવાનો લહાવો અનેરો હતો, કારણ કે આ પક્ષી ભારત પર ભ્રમણ કરે એ દુર્લભ છે. ભારતમાં આ પક્ષી છેલ્લે ૨૦૧૩માં કેરલામાં જોવા મળ્યું હતું.’
સબિન ગલ એ નાનું અને રૂપકડું પક્ષી છે જે એના આકર્ષક દેખાવથી જાણીતું છે. આ પક્ષી મુખ્યત્વે નૉર્થ અમેરિકા, ગ્રીનલૅન્ડ અને સાઇબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારમાં જોવા મળે છે. અન્ય પક્ષીઓની જેમ સબિન ગલનો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી એમ છતાં એ નળ સરોવરમાં જોવા મળ્યું એ એક અચરજ પમાડે એવી ઘટના છે. ભારતમાં એનું દેખાવું દુર્લભ છે. કદાચ આ પક્ષી એનો માર્ગ ભૂલી જઈને અહીં આવી પહોંચ્યું હોઈ શકે છે. પક્ષીવીદો, પક્ષીપ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે આ એક રસપ્રદ અને રોમાંચ જગાવતી ઘટના બની છે.